ગઢશીશા પંથકમાં ખેતીવાડીને નુકસાની

જિજ્ઞેશ આચાર્ય દ્વારા- ગઢશીશા, તા. 8 : મંગળવારની બપોર બાદ મેઘરાજાએ ગઢશીશા પંથક પર બપોરે બેથી સાંજે આઠ વાગ્યા સુધી અંદાજિત સાત ઇંચ જેટલું હેત વરસાવતાં લોકોમાં તથા ખેડૂતવર્ગ અને માલધારીવર્ગમાં ભારે ખુશી વ્યાપી હતી, તો સતત સાંબેલાધાર વરસાદના કારણે પંથકના વાડીવિસ્તારોના માર્ગો અવરોધાયા હતા, તો વાડી-ખેતરમાં બાંધાઓને પણ ભારે નુકસાની થઇ હતી. આ અંગે માહિતી આપતાં એમ.પી.એમ.સી.ના પૂર્વ ચેરમેન નારાણભાઇ ચૌહાણ (દુજાપર)એ જણાવ્યું હતું કે, દુજાપર વિસ્તારની વાડીવિસ્તારની જમીન રેતાળ હોવાથી ઉપરવાસમાંથી આવતા ભારે જળપ્રવાહના કારણે બાંધા તો ધોવાયા હતા પણ સાથેસાથે તાજા વાવેતર થયેલા કપાસ અને મગફળીના પાક પર માટી ફરી વળતાં ખેડૂતવર્ગને સારું એવું નુકસાન ભોગવવું પડશે.તો ગઢશીશાથી નખત્રાણા, મંગવાણાને જોડતા મુખ્ય માર્ગ પર દુજાપર પાસેના પુલ પર સાઇડમાં માટીનું ધોવાણ થતાં પુલની હાલત જર્જરિત બની છે, જેની ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાને ટેલિફોનિક જાણ કરી સત્વરે યોગ્ય મજબૂતાઇથી માંગણી કરાઇ છે તેમ શ્રી ચૌહાણે ઉમેર્યું હતું. તો રત્નાપરથી તાલુકા ભાજપ કિસાન મોરચા પ્રમુખ મહેન્દ્રભાઇ રામાણી તથા ભેરૈયાથી કલ્યાણજીભાઇ કે. પારસિયાએ પણ વાડીવિસ્તારના આંતરિક રસ્તાને નુકસાની સાથે વાડીવિસ્તારના બાંધાને નુકસાનનું જણાવ્યું છે. તો ગઢશીશાના કાર્યકારી સરપંચ રાજેશભાઇ ઉકાણીએ પણ ગઢશીશાના વાડીવિસ્તારમાં ઓછી-વત્તી નુકસાનીના અહેવાલ આપ્યા છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer