વેરા માફીનું ઠીકરું બે કર્મીના શિરે ફોડવા પ્રયાસ ?

ભુજ, તા. 8 : નગરસેવક અને મુખ્ય અધિકારી વચ્ચે આધાર બની ગયેલા પાણી જોડાણના વેરા માફી મુદ્દે હવે બે કોમ્ય્યુટર ઓપરેટર પર ઠીકરું ફોડી ઓપરેટરોને નોટિસ આપવાની અને તેમના પગારમાંથી એ રકમ વસૂલવાની વાતને પગલે ભુજ સુધરાઇનો માહોલ આજે ભારે ગરમાયો હતો. સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર નગરસેવક દિલીપ હડિયાએ ભુજ સુધરાઇની ભરી સભામાં પાણી જોડાણ ન હોવાથી વોટર સપ્લાય શાખાના એન્જિનીયર દ્વારા સ્થળ તપાસ કરી વેરા માફ કર્યા હોવાના આધાર પુરાવા રજૂ કરી સોપો પાડી દીધો હતો એ વેરા માફીના મુદ્દાએ આજે ફરી સુધરાઇ ગજાવી હતી. આજ સવારે બે કોમ્પ્યુટર ઓપરેટરને મુખ્ય અધિકારી નીતિન બોડાતે બોલાવી કહ્યું કે, તમે વેરાની રકમ કેમ રદ્દ કરી ?  હવે એ મુદ્દે તમને નોટિસ અપાશે અને તમારા પગારમાંથી એ વેરાની રકમ કપાત કરાશે તેમ જણાવતાં કર્મીઓએ પણ પોતાનો બચાવ રજૂ કર્યો હતો અને જણાવ્યું કે, વોટર સપ્લાય શાખાના એન્જિનીયર ભાવિક ઠક્કરે સ્થળ તપાસ કરાવવા સાથે તેમને લેખિત નોંધ આપી હતી જેને આધારે રકમ રદ્દ કરી હોવાનું તેમજ આવી રીતે કપાત વર્ષોથી કરાતી હોવાનું જણાવી તેમનો કોઇ વાંક નથી તેવી સ્પષ્ટતા કરી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલાંના ડબલ પગારના મામલે પણ આ જ રીતે કર્મચારીઓ પર ઠીકરું ફોડવાનો પ્રયાસ કરાયો હતો. ત્યાં ફરી આજે ઉપરોકત ઘટનાથી કર્મચારીઓ રોષે ભરાયા છે. અલબત્ત સાંજ સુધી નોટિસ પાઠવાઇ નહોતી.પરંતુ જો નોટિસ પાઠવાશે તો નવા જૂની ચોક્કસ થશે અને સુધરાઇના અન્ય ચોંકાવનારા ભોપાળાં પણ બહાર આવે તેવી શક્યતા પ્રબળ બની છે.  નવાઇની વાત તો એ છે કે, થોડા દિવસ પહેલાં જ કર્મચારીઓએ ચોક્કસ વ્યકિતની દોરવણી હેઠળ મુખ્ય અધિકારીની તરફેણમાં કામ ઠપ કર્યું હતું ત્યાં ગઇકાલે હડતાળ કરનારા તમામનો પગાર કાપી લેવા તથા આજે બે કર્મીને વેરા માફી માટે મુખ્ય અધિકારી દ્વારા જવાબદાર ઠેરવવાના પ્રયાસથી કચેરીમાં ભારે નારાજગી ફેલાઇ છે અને થોડા દિવસમાં જ નવા-જૂનીના એંધાણ વર્તાઇ રહ્યાં છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer