પ્રા.શિક્ષકોની સેવાપોથી ચકાસણી અર્થે જિલ્લાવાર તારીખ જાહેર કરાઈ

ભુજ, તા. 8 : ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની વારંવાર રજૂઆત બાદ પગાર બાંધણી અંગે ગાંધીનગર ખાતે પ્રાથમિક શિક્ષકોની સેવાપોથીઓ ચકાસણી અર્થે જિલ્લાવાર તારીખો જાહેર કરવામાં આવી છે. જેમાં કચ્છ જિલ્લાને 18 જુલાઈ અને 13 ઓગસ્ટ ફાળવવામાં આવી છે અને તાલુકાદીઠ વધુમાં વધુ 25 સેવાપોથી સ્વીકારાશે. છેલ્લા ઘણા સમયથી રાજ્યના પ્રાથમિક શિક્ષકોના ઉચ્ચત્તર પગાર ધોરણ માટે સેવાપોથીઓ ગાંધીનગર ખાતે મોકલવાની મનાઈ ફરમાવવામાં આવી હતી અને માત્ર આગામી 2 વર્ષમાં નિવૃત થતા શિક્ષકો તથા કોર્ટ કેસવાળા શિક્ષકોની જ સેવાપોથીઓ અગ્રતાના ધોરણે મોકલવાની સૂચના અપાઈ હતી. પરિણામે રાજ્યભરના પ્રાથમિક શિક્ષકો કે જેઓ ઉચ્ચત્તર પગાર ધોરણ માટે પાત્રતા ધરાવતા હતા. તેમની સેવાપોથીઓ જે-તે તાલુકાઓમાં જ પડી રહી હતી. પરિણામે પાત્રતા ધરાવતા શિક્ષકો હાયરગ્રેડથી વંચિત રહી જવા પામ્યા હતા. રાજ્યભરમાં હાયરગ્રેડના કેસોનો ભરાવો થઈ ગયો હતો. આ રજૂઆતના પગલે 2 દિવસ અગાઉ જ ગાંધીનગરની હિસાબ અને તિજોરી કચેરી તરફથી દરરોજની 10 સેવાપોથીઓ ચકાસણી અર્થે રૂબરૂ મોકલવાની સૂચના અપાઈ હતી, પરંતુ પ્રાથમિક શિક્ષકોના કેસો ગાંધીનગર ખાતેની કચેરીએ રજૂ કરવા આવતા કર્મચારીઓની સંખ્યા મોટા પ્રમાણમાં હોઈ સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું પાલન ન થતાં કર્મચારીઓ તથા વહીવટીતંત્રના હિતમાં બહોળા પ્રમાણમાં સેવાપોથીઓ લઈ શકાય તે માટે જિલ્લાવાર તારીખો જાહેર કરવામાં આવી છે. આ નિર્ણયને કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ નયનસિંહ જાડેજા, મહામંત્રી કેરણાભાઈ આહીર તથા રાજ્યસંઘના ઉપપ્રમુખ હરિસિંહ જાડેજા દ્વારા આવકારાયો છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer