અંજાર મતક્ષેત્રના વિકાસકામો કેટલે પહોંચ્યા ?

ભુજ, તા.8 : અંજાર મતવિસ્તારના વિકાસ માટે પાયાની સુવિધાઓ મળી રહે તે માટે  સક્રિય  સામાજિક અને શૈક્ષણિક પછાતવર્ગોના કલ્યાણ અને પ્રવાસન રાજ્યમંત્રી અને અંજાર ધારાસભ્ય વાસણભાઇ આહીરે વર્ષ 2019-20ના વિવિધ વિભાગોના મંજૂર થયલા કામોની હાલની સ્થિતિ અંગે વહીવટીતંત્ર સાથે સમીક્ષા કરી અહેવાલ મેળવ્યો હતો. અંજાર તાલુકાના માર્ગ મકાન વિભાગના કુલ રૂા. 1820 લાખના કામો વર્ષ 2019-20માં મંજૂર કરવામાં આવ્યા છે. હાલમાં આ કામો ડીટીપી લેવલ પર છે. જેમાં નોન પ્લાન રસ્તાઓ, રિસર્ફેસિંગ, હયાત રસ્તાઓ, ખૂટતી કડી તથા ખૂટતાં નાળાંની બાંધકામની કામગીરી વગેરેનો સમાવેશ થાય છે. તદઉપરાંત વર્ષ 2019-20માં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ 11 રસ્તાઓ માટે કુલ રૂા. 1463 લાખ મંજૂર કરવામાં આવેલ જે પૈકી છ રસ્તાઓ પૂર્ણ થયેલા છે અને પાંચ રસ્તાઓની કામગીરી પ્રગતિમાં છે. અંજાર તાલુકામાં પંચાયત ઘર યોજના અન્વયે રૂા. 422.67 લાખના કુલ 15 જેટલાં બિલ્ડિંગનાં કામો મંજૂર કરવામાં આવ્યા છે, જેમાં આઠ પંચાયત ઘરના કામો પૂર્ણ થયાં છે અને 4-સ્લેબ, 1-પ્લિંથ લેવલ અને 2-પાયા લેવલ પર કામગીરી પ્રગતિમાં છે.અંજાર તાલુકામાં આંગણવાડીના રૂા. 188.50 લાખના કુલ 40 જેટલા કામો મંજૂર કરવામાં આવ્યા છે, જેમાં 4 કામો પૂર્ણ થયા છે. 10 કામો પૂર્ણતાના આરે છે, 1 કામ સ્લેબ લેવલ, 10 કામો પાયા લેવલ, 14 કામો ડિસ્મેન્ટલ લેવલ એમ પ્રગતિ હેઠળ છે અને 1 કામની જગ્યા ફેરફાર થયેલી છે. રાજ્યમંત્રી કચ્છની જનતાને વાહન વ્યવહાર, આરોગ્ય, શિક્ષણ તેમજ વહીવટી રીતે સવલતો મળી રહે તે માટે સતત પ્રયત્નશીલ રહી જે તે વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા -વિચારણા કરી વિકાસ કામોને વેગ મળે તે માટે સમીક્ષા કરી માર્ગદર્શન/સૂચનો આપતા રહે છે.   

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer