કચ્છ તે વઠા મીં, વાલીડા કચ્છ તે વઠા મીં...

કચ્છ તે વઠા મીં, વાલીડા કચ્છ તે વઠા મીં...
ભુજ, તા. 7 : હજારો હાથીઓ એકીસાથે ધરતી ધમધમાવતા દોડે એવી ગર્જના અને મૂશળધાર હેલીનો કચ્છીઓને અષાઢમાં આસમાને સામનો થઇ રહ્યો છે અને મહત્ત્વની વાત એ છે કે, આ મેઘગર્જનાના અને આકાશમાં લપકારા મારતી કૃષ્ણભગિની વીજળીના કડાકાથી ક્ષણિક ડરતો-ફફડતો કચ્છી આકાશેથી ઉતરતી અમીધારા જેવી વરસાદની ઝાડીથી પુત્ર ઘેર પારણું બંધાયું હોય તેવા અદકેરા આનંદથી ઝૂમી ઊઠે છે. અપરએર સાયક્લોનિક સર્ક્યુલેશને તો કચ્છનું કલ્યાણ થઇ જાય એ રીતે `ભાગ્યવિધાતા'ને ભરપૂર વરસાવી દેતાં `આનાથી હવે વધુ કંઇ જ ન હોય' તેવી ખુશીની પળોમાં સરહદી જિલ્લો અંતરમનથી નાચી રહ્યો છે. બંદરીય મુંદરામાં જોતજોતામાં નવ ઇંચ, માંડવીમાં સાત ઇંચ, અબડાસામાં ત્રણથી પાંચ ઇંચ, અંજારમાં પાંચ ઇંચ, નખત્રાણામાં છ ઇંચ, લખપતમાં પ્રથમ પગરણમાં બે ઇંચ, જિલ્લા મથક ભુજમાં ધીમીધારનો ચારથી પાંચ ઇંચ... આહા... હા... આ આંકડા કચ્છીઓનો પ્રાણ છે અને નુકસાની વગર જ એ વધતા રહે તેવું સપનું અહીં બારેય માસ જોવાતું હોય છે, આજે સિદ્ધ થઇ રહ્યું છે. એકતરફ કચ્છમાં હજુ વધુ વરસાદની આગાહી છે, બીજીતરફ જિલ્લા કંટ્રોલ રૂમમાં આજે મંગળવારે દિનભર વરસી ગયેલા વરસાદના આંકડા અનુસાર અંજાર 115 (સવા ચાર ઇંચ), અબડાસા 51 (બે ઇંચ), ગાંધીધામ 67 (અઢી ઇંચ), નખત્રાણા 158 (છ ઇંચ), ભચાઉ 51 (બે ઇંચ), ભુજ 85 (પોણા ચાર ઇંચ), મુંદરા 241 (પોણા દસ ઇંચ), માંડવી 185 (સાત ઇંચ), રાપર 64 (બે ઇંચ) અને સરહદી લખપત તાલુકામાં 36 મિ.મી. (એક ઇંચ) વરસાદ વરસી ચૂક્યો છે. આ લખાય છે ત્યારે માતાના મઢ, દયાપર, અબડાસા, માંડવીના કાંઠાળ પટ્ટી અને મુંદરા કંઠીપટમાં ધીમી-મધ્યમ અને ક્યાંક અનરાધારે વરસાદ વરસી રહ્યો છે. મુંદરાથી પ્રતિનિધિ અશ્વિન ઝિંઝુવાડિયાના હેવાલ મુજબ બંદરીય નગરમાં મેઘરાજાએ બપોરે 4થી 6ના 2 કલાકના સમયગાળામાં દે-ધનાધન 4 ઈંચ વરસાદ ખાબકયો હતો, તો સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી 6 ઈંચથી વધુ વરસાદ, જ્યારે ગત રાત્રિના 3 ઈંચ મળી મોસમનો કુલ વરસાદનો આંકડો 410 મિ.મી. (સાડા સોળ ઈંચ)ને સ્પર્શી ગયો હતો. છેલ્લા 24 કલાક દરમ્યાન કુલ 9 ઈંચ વરસાદ પડયો છે. ગત રાત્રિની ધીમીધારથી સીંગલિયા રનની બેટિંગને મેઘાએ બપોરે 2 વાગ્યાથી ચોગ્ગા-છગ્ગાની ફટકાબાજીમાં પલટાવી નાખી હતી અને બાપોમારી કરતો અનરાધાર વરસ્યો હતો. નીચાણવાળા વિસ્તારોમાં ગોઠણસમા પાણી ભરાયા હતા તથા મેઘગર્જના સાથે વીજળીના કડાકા ભડાકાએ એક તબક્કે ભયનો માહોલ ઊભો ર્ક્યો હતો. નગરના જવાહરચોક નજીક રહેતા લોકોના ઘરમાં પાણી ભરાયા હતા. ગઢરાંગનું ગેરકાયદેસર દબાણ અને વરસાદી વહેણને બંધ કરી દેતાં જવાહર ચોકમાં પાણી ભરાયા હતા અને રહીશોએ જાતે જઈને વહેણ આડેના અવરોધો દૂર કર્યા હતા.  ટૂંડાથી કીર્તિભાઈ કેશવાણી આજ સાંજના 5 વાગ્યા સુધી 5 ઈંચ  જ્યારે ઝરપરાથી વાલજીભાઈ ટાપરિયા 5થી 6 ઈંચના સમાચાર આપે છે. કપુરિયો છેલો આવી જતાં અને દક્ષિણના પવનના કારણે 2 ચેકડેમ અડધા જેટલા ભરાઈ ગયા છે. ખારેક કોરોનાને સમર્પિત થઈ ગઈ છે. ગેલડાથી પ્રતાપસિંહ વાઘેલાએ 5થી 6 ઈંચ વરસાદ થતાં તાલુકાનો મહત્ત્વનો ગેલડા ડેમ ઓગની ગયો છે તેમ જણાવ્યું હતું. ભુજપુરની નાગમતી નદી બે કાંઠે વહેતી થઈ છે. સમાઘોઘાથી મહાવીરસિંહ જાડેજા 5થી 6 ઈંચ વરસાદના સમાચાર આપતાં જણાવે છે કે, ગામના વથાણચોક સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જિંદાલ કંપનીના ગેઈટ પાસે પણ પાણી ભરાયા હતા. સિરાચાથી નટુભા ટપુભા ચૌહાણે 5 ઈંચ વરસાદ સાથે નદીનાળામાં પાણી વહી નીકળ્યા હતા અને ગામમાં પાણી ભરાયા હતા તેમ કહ્યું  હતું. વાંકીથી નિઝારભાઈ ખોજા 4 ઈંચના વાવડ આપે છે. ધ્રબથી સુલતાનભાઈ તુર્ક જણાવે છે કે, ધ્રબ આસપાસની તમામ વાડીઓ વરસાદી પાણીથી તરબોળ થઈ ગઈ છે. મંગરાથી ચાંદુભા જાડેજાએ કહ્યું કે, મગફળી-કપાસના પાકને મોટો ફાયદો થશે.બરાયાથી યુવરાજસિંહ વાઘેલા અને સૂર્યાભાઈ મહેશ્વરી 4થી 5 ઈંચ વરસાદ બરાયા ઉપરાંત પ્રાગપર કારાઘોઘામાં પણ નોંધપાત્ર વરસાદ થયો હોવાનું કહે છે. વિરાણીથી શક્તિસિંહ જાડેજા 5 ઈંચ વરસાદથી ગામમાં જોશભેર પાણી વહી નીકળ્યા હતા. કણજરાથી રવાભાઇ આહીર ત્રણ?ઇંચ વરસાદનું જણાવે છે. પત્રીથી ગુલાબસિંહ જાડેજા 4ાાથી 5 ઇંચ વરસાદ સાથે ખેંગારસાગર ડેમમાં નવા પાણીની આવક શરૂ?થઇ છે.ગુંદાલાથી પાર્થ ઠક્કર રાત સુધી તળાવ ઓગની જશે તેવું જણાવી 4 ઇંચના વરસાદના સમાચાર આપે છે. નગર અને ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા 24 કલાક દરમ્યાન 7થી 9 ઇંચ પાણી વરસ્યું હતું. પી.જી.વી.સી.એલ.ના કાર્યપાલક ઇજનેર કે. વી. વણકરે જણાવ્યું હતું કે, થાંભલાઓ પડવાથી વારંવાર વીજ વિક્ષેપ ઊભો થયો છે. અમારી ટીમ સતત સમારકામમાં લાગેલી છે. મુંદરા રાજગોર સમાજવાડી પાસે પાણી ભરાતાં રસ્તો બંધ?થયો હતો.નગર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં પણ?વીજળી પડવાની ઘટનાઓ બની છે. બાબિયા ડેમમાં 14 ફૂટ પાણી આવ્યું છે અને બે કાંઠે નદી વહે છે. ગ્રામ્ય વિસ્તારના વાડી-ખેતર વરસાદી પાણીથી તરબતર થઇ ગયા છે. ધ્રબથી હુશેનભાઇ?તુર્ક છેલ્લા 24 કલાક દરમ્યાન આઠ?ઇંચ પાણી પડયું હોવાનું જણાવે છે. આ લખાય છે ત્યારે પણ મુશળધાર વરસાદ ચાલુ છે. નજીકના ભૂતકાળમાં આવો વરસાદ થયો નથી તેવું શ્રી તુર્ક ઉમેરે છે.ભુજપુરથી કિરીટ સોની કહે છે કે, તા. 6ના રાત્રે 2 ઈંચ તેમજ તા. 7ના બપોરના 2થી 4.30 દરમ્યાન 2 કલાકમાં સાડા પાંચ ઈંચ વરસાદ થયો હતો. ગામની બાજુમાં આવેલા છેલામાં પાણીની આવક થતાં નાગમતી નદીમાં પાણીની આવક થતાં ગામલોકો જોવા ઊમટયા હતા. રસ્તાઓ પર જોશભેર પાણી વહી નીકળ્યા હતા. તળાવમાં તેમજ ચેકડેમમાં પાણીની આવક થઈ હતી.ગુંદાલામાં ત્રણ ઈંચ વરસાદ મુંદરા તાલુકાના ગુંદાલાથી ભુવનેશ જોશી કહે છે કે, ગત રાત્રિથી આજ સાંજ સુધીમાં ત્રણેક ઈંચ જેટલો વરસાદ થયો હતો. વીજળીના ડરામણા કડાકા-ભડાકાએ લોકોમાં ભયનો માહોલ ખડો કર્યો હતો. ભારે પવનના કારણે વૃક્ષો ધારાશાયી થયા હતા. રાબેતા મુજબ વીજ પુરવઠો ઠપ થઈ જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.પત્રીમાં ત્રણ ઈંચ વરસાદ મુંદરા તાલુકાના પત્રીમાં  ગત રાત્રિ તેમજ આજે દિવસ દરમ્યાન સાંજ સુધીમાં ત્રણ ઈંચ જેટલો વરસાદ થતાં લોકો ખુશખુશાલ થઈ ગયા હતા. ખેંગારસાગર ડેમમાં આઠ ફૂટ નવા નીર આવ્યા છે તેવું હરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું. 

  કચ્છ-વરસાદ અને ધબકતી લાગણીઓ...  ભુજ, તા. 7 : કચ્છ માટે સૌથી મોટો કોઈ પ્રસંગ, મેળો ઉત્સવ - ઉર્સ - આનંદ હોય તો એ સચરાચર, ધ્રોસટ, શ્રીકાર, અનરાધાર, સાંબેલાધાર વરસાદ છે. અનેકાનેક દુકાળ સાથે અને તેની પીડા સમાન હિજરતી થઈને માદરે વતનની ભૂમિથી દૂર થવાની સજા ભોગવી ચૂકેલા અને વખતોવખત ભોગવી રહેલા કચ્છમાં એથી જ વરસાદને `ભાગ્યવિધાતા' પર્યાયવાચી નામથી નવાજવામાં આવે છે. આ વરસાદની ગેરહાજરીના લીધે બે પૈસા કમાવા પતિ પરદેશ જાય અને પાછળ કચ્છની ધરતી પર સાંબેલાધાર મેહ વરસી પડે ત્યારે અર્ધાંગિની પોતાના પતિને સંબોધીને ગાય છે - `કચ્છમે વઠા મીં વાલીડા... કચ્છમેં વઠા મીં, મુંજા પરદેશી પંખીડા વાલા કચ્છમેં વઠા મીં... આ લોકગીતમાં પણ વરસાદના વાવડ પતિ સુધી પહોંચાડી હવે વતન પર આવવાનો એક મોઘમ સંદેશ વહેતો કરાયો છે. કચ્છમાં વરસાદ થઈ ગયો, મારા પરદેશી પંખીડા હવે પરત આવ...  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer