મઢ ખાણનો ઠેકો અપાતાં પરિવહન ક્ષેત્રે નવો `સૂર્યોદય''

મઢ ખાણનો ઠેકો અપાતાં પરિવહન ક્ષેત્રે નવો `સૂર્યોદય''
પ્રફુલ ગજરા દ્વારા-  ભુજ, તા. 7 : છેલ્લા લાંબા સમયથી અટવાયેલા પડેલા માતાનામઢ લિગ્નાઇટ ખાણના માઇનિંગના કાર્ય માટે અંતે ખનિજ વિકાસ નિગમ દ્વારા ખાનગી કંપનીને લાંબા સમયનો કહી શકાય તેવો ઠેકો કેન્દ્ર સરકારની ખાસ યોજના તળે સૌ પ્રથમ વખત આપતાં આગામી સમયમાં કામમાં ઝડપ આવવા સાથે લિગ્નાઇટ આધારિત કચ્છના ટ્રક-ટ્રાન્સપોર્ટ વ્યવસાયને ફાયદો થવા સાથે જૂના સોનેરી દિવસો પાછા આવવાની આશા જાગી છે. આ કિસ્સામાં ખાસ અને નોંધપાત્ર બાબત એ બની રહી છે કે કેન્દ્ર સરકારની માઇન્સ ડેવલોપર એન્ડ ઓપરેટર યોજના તળે માતાનામઢ લિગ્નાઇટ ખાણના માઇનિંગ માટેનો આ સંપૂર્ણ ઠેકો આગામી 13 વર્ષ માટે અપાયો છે. મૂળ કચ્છના માંડવી તાલુકાના વતની સંચાલકોની કંપની મહાલક્ષ્મી અને પી.સી. પટેલ કન્સોટેરીયમ પ્રાઇવેટ લિમિટેડને સંયુક્ત સાહસના રૂપમાં આ ઠેકો અપાયો છે. જે મુજબ હવે પછી રાજ્ય ખનિજ વિકાસ નિગમ મઢ ખાણના લિગ્નાઇટનું વેંચાણ માત્ર કરશે. જ્યારે ઠેકો લેનારી કંપની માઇનિંગ (ખોદકામ) કરી લિગ્નાઇટ પાધરૂં કરી તેને ભરવાની ઉપરાંત રસ્તા, પાણી અને વૃક્ષારોપણ સહિતની તમામ આંતરિક જવાબદારી નિભાવશે. ખાણના ક્ષેત્રમાં નવતર કહી શકાય તે ઢબનો કોન્ટ્રેક્ટ આપવાની કેન્દ્ર સરકારની યોજનાનો પ્રથમ પ્રયોગ કચ્છમાં માતાનામઢ ખાણ ખાતે થઇ રહ્યો છે. કોરોના મહામારીના કારણે ઠેકો લેનારી કંપનીને કામ આપવાની પ્રક્રિયામાં થોડો વિલંબ સર્જાયા બાદ હવે આ તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરી લેવા સાથે ઠેકેદાર કંપનીને તમામ કાર્યવાહી સોંપવાની કામગીરી અંતિમ તબક્કામાં હોવાની વિગતો નિગમના સત્તાવાર સાધનો પાસેથી જાણવા મળી હતી. નિગમના સાધનોએ જણાવ્યું હતું કે, કોન્ટ્રેક્ટ લેનારી કંપનીને કુલ 13 વર્ષનો ઠેકો આપવામાં આવ્યો છે. ખાણની તમામ આંતરિક બાબતો હવે આ કંપની હસ્તે રહેશે. નિગમ આ ખાણમાંથી નીકળનારા લિગ્નાઇટના જથ્થાના વેંચાણની કાર્યવાહી માત્ર સંભાળશે.દરમ્યાન લિગ્નાઇટ વ્યવસાયને સંલગ્ન વર્તુળોમાંથી મળેલી જાણકારી અનુસાર માતાનામઢ ખાણનો માઇનિંગનો આ ઠેકો માર્ચ-2019માં પૂર્ણ થઇ ગયો હતો. આ પછી નવો કોન્ટ્રાક્ટ આપવાની પ્રક્રિયા વિલંબિત બનતાં તેની અસર ખાણમાંથી નીકળનારા માલ અને તેની ગુણવત્તા ઉપર પડવા સાથે પરિવહન વ્યવસાય માટે પણ મુશ્કેલીઓ સર્જાઇ હતી. જે તે સમયે આ મામલે ભારે હોબાળો, રજૂઆતો સહિતનો માહોલ ઊભો થયો હતો.  અલબત્ત હવે સંપૂર્ણ કહી શકાય તેવી ખાણને સંલગ્ન કાર્યવાહીની જવાબદારી ખાનગી કંપનીને સુપરત કરાતાં આ કંપની દ્વારા લવાનારી કામની ઝડપ અને ખોદકામ થકી સારી ગુણવત્તા સાથેનો લિગ્નાઇટ કાઢવાની પ્રક્રિયા લિગ્નાઇટ પરિવહન વ્યવસાયનું ભવિષ્ય બની રહે તેવું ચિત્ર જોવા મળી રહ્યું છે. તેર વર્ષ જેટલા લાંબા સમય માટેના આ ઠેકામાં ઠેકેદાર કંપની સમગ્ર ખાણ વિસ્તારને આવરી લે તેવી સંભાવના જોવાઇ રહી છે. તો આ સમગ્ર કાર્યવાહી સરવાળે અત્યારે કઠિન કહી શકાય તેવી સ્થિતિનો સામનો કરી રહેલા લિગ્નાઇટ વેંચાણ અને પરિવહન વ્યવસાય માટે ફાયદેમંદ સાબિત થવાની આશા વ્યક્ત કરાઇ રહી છે. દરમ્યાન જે તે સમયે ઠેકો આપવાની કામગીરી અટવાઇ જવા વચ્ચે એક તબક્કે ખાણ બંધ થઇ જવાની નોબત પણ આવી પડી હતી. તો બાદના સમયમાં માત્ર ઉપર-ઉપરથી માલ કઢાતાં ગુણવત્તાનો પણ મોટો પ્રશ્ન સર્જાયો હતો. આના થકી મઢની ખાણના લિગ્નાઇટની માંગમાં પણ જબ્બર ઓટ આવેલી જોવા મળી હતી. હવે આ તમામ પ્રશ્નોનો નિવેડો આવવા સાથે વ્યવસાયના જૂના અને સોનેરી દિવસો પરત આવવાની આશા પણ સબંધિતોને જાગી છે. ભૂતકાળમાં આ મામલે અંજારના ધારાસભ્ય અને રાજ્યમંત્રી તથા ટ્રક-ટ્રાન્સપોર્ટ સંગઠનના રાજ્ય એકમના અધ્યક્ષ વાસણભાઇ આહીરે સરકાર અને નિગમ સમક્ષ સતત રજૂઆત જારી રાખી હતી. તો કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સ એસો.ના અધ્યક્ષ ડો. નવઘણ આહીર અને હોદ્દેદારોએ પણ સમયાંતરે આ મુદ્દો ઉઠાવ્યો હતો. આ ઉપરાંત કચ્છ જિલ્લા લિગ્નાઇટ ટ્રાન્સપોર્ટ ઓપરેટર સંગઠનના નરેન્દ્ર મીરાણી, મમુભાઇ આહીર, દિલીપભાઇ શાહ, અજીત જોશી, સતીષભાઇ ઠક્કર વગેરેએ પણ આ મુદ્દે સ્થાનિક કક્ષાએથી ગાંધીનગર સુધી આ મુદ્દે રજૂઆતો અને માગણીઓનો દોર અવિરત રાખ્યો હતો. ટ્રાન્સપોર્ટ ક્ષેત્રના આ આગેવાનોએ આ ખાસ નિર્ણય થકી વ્યવસાયને ફાયદો થવાનો વિશ્વાસ વ્યક્ત કરતાં આ માટે હકારાત્મક અભિગમ દાખવનારા મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, નિગમના ચેરમેન અને અધિકારીઓ તથા રાજ્યમંત્રી સહિતના પરત્વે આભારની લાગણી દર્શાવી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer