ગાંધીધામમાં શિપિંગ કચેરીમાં લાગી આગ

ગાંધીધામમાં શિપિંગ કચેરીમાં લાગી આગ
ગાંધીધામ, તા. 7 : શહેરના રામલીલા મેદાનની સામે આવેલા મણિ કોમ્પ્લેક્સના ત્રીજા માળે એક કચેરીમાં આગ ભભૂકી ઊઠી હતી. પાણીના મારા બાદ આ આગ ઉપર કાબૂ મેળવાયો હતો. આ આગે કચેરીનો સર-સામાન ભસ્મીભૂત કરી નાખ્યો હતો. શહેરની મણિ કોમ્પ્લેક્સ નામની ઇમારતના ત્રીજા માળે આગ લાગી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે, પાન એશિયા નામની શિપિંગ પેઢીની આ ઓફિસમાંથી આજે સવારે ધુમાડાના ગોટેગોટા બહાર આવતા નજરે પડયા હતા. આ ઓફિસનો દરવાજો ખોલાતાં પણ ધુમાડો બહાર આવ્યો હતો. જેના કારણે આસપાસની કચેરીઓમાં કામ કરતા લોકોના જીવ પડીકે બંધાયા હતા અને તમામ લોકો નીચે ઊતરી આવ્યા હતા. આગના બનાવની જાણ પાલિકા અને ક્યુ.આર.સી.ને થતાં તેમના લાયબંબા અહીં દોડી આવ્યા હતા. ક્યુ.આર.સી. અને પાલિકાના કર્મીઓએ પાણીનો મારો ચલાવ્યો હતો, પરંતુ આગ કાબૂમાં આવી નહોતી. ધુમાડાના ગોટેગોટા બારી વાટે દેખાતાં લોકોનું ટોળું એકત્ર થઇગયું હતું. આગને કાબૂમાં લેવા પાણીનો મારો ચલાવ્યા બાદ બપોરે 12ની આસપાસ તે કાબૂમાં આવી હતી. આગે કચેરીમાં રહેલો તમામ સર-સામાન ભસ્મીભૂત કરી નાખ્યો હતો. સિમેન્ટના પોપડા પણ ઉખડી ગયા હોવાનું લોકોએ જણાવ્યું હતું. આ બનાવમાં કોઇ જાનહાનિ નહોતી થઈ. આ બનાવ મોડી સાંજ સુધી પોલીસ ચોપડે ચડયો ન હોવાથી કેટલી નુકસાની થઇ તથા આગ કેવા કારણોસર લાગી હતી તે સહિતની વિગતો બહાર આવી શકી નહોતી.   

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer