પીપીએસસીથી બસ સ્ટેશન માર્ગ ગટર દુર્ગંધથી ત્રસ્ત

પીપીએસસીથી બસ સ્ટેશન માર્ગ ગટર દુર્ગંધથી ત્રસ્ત
ભુજ, તા. 7 : ઘનશ્યામનગર માર્ગથી બસ સ્ટેશન સુધીના માર્ગના લલાટે ગટરના પાણીની દુર્ગંધ કાયમી ધોરણે લખાઇ હોય તેમ ઝાપટું વરસતાં જ આ વિસ્તારના રહેવાસીઓ અને દુકાનદારોને રહેવું મુશ્કેલ બની જાય છે. વર્ષોથી સર્જાતી આ સમસ્યા માટે નજીક આવેલી ભુજ સુધરાઇ પાસે કોઇ જ ઉકેલ ન હોય તેવું લાગી રહ્યું છે. ભુજમાં અનેક વિસ્તારો વરસાદ પડતાં જ ભયભીત બની ઊઠે છે. સુધરાઇના ઢંગધડા વિનાના આયોજનોને પગલે ક્યાંક પાણી ભરાવાની તો ક્યાંક ગટર ઊભરાવાની સમસ્યા સર્જાય છે. આવો જ એક વિસ્તાર ઘનશ્યામનગર નજીક પીપીએસસી માર્ગથી બસ સ્ટેશન સુધીનો માર્ગ છે.આ માર્ગની નજીક જ શહેરના વિકાસકામોની જેના શિરે જવાબદારી છે તેવી સુધરાઇ નજીકના વિસ્તારો જ ગટરની દુર્ગંધથી બેહાલ હોવા છતાં અધિકારી-પદાધિકારીઓ આંખ-કાનની સાથોસાથ નાક પણ બંધ કરી બેઠા હોવાની લોક ફરિયાદ ઊઠી છે.  અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા મહિના પૂર્વે જ સિટી બસ સ્ટોપના ગેટ નજીક ગટરની નવી લાઇન નખાઇ હતી પરંતુ નબળાં કામને પગલે માર્ગ પરથી ગટરના પાણી બહાર નીકળી રહ્યાં છે. આવા તો અનેક નબળાં કામો શહેરમાં અલગ-અલગ જગ્યાએ થયાં છે અને સુધરાઇના પાપે વરસાદની મજા માણવા અને ખુશ થવાને બદલે લોકો ચિંતિત બની ઊઠે છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer