અંજાર તાલુકા પંચાયત દ્વારા કોવિડ-19 માટે પાંચ લાખના ચેક અર્પણ

અંજાર તાલુકા પંચાયત દ્વારા કોવિડ-19 માટે પાંચ લાખના ચેક અર્પણ
ભુજ, તા. 7 : કોવિડ-19 અંતર્ગત કોરોના મહામારીમાં સહાયરૂપ થવા માટે તાલુકા પંચાયત અંજાર તરફથી પ્રધાનમંત્રી રાહતફંડમાં રૂા. 2,51,000 અને મુખ્યમંત્રી રાહતનિધિમાં રૂા. 2,51,000નો ચેક રાજ્યમંત્રી વાસણભાઇ આહીર અને કલેક્ટર પ્રવીણા ડી.કે.ને તાલુકા પંચાયત પ્રમુખ ગાવિંદભાઇ ડાંગર દ્વારા અર્પણ કરવામાં આવ્યા હતા. રવિવારે અંજાર પ્રાંત કચેરી ખાતે આ રાહતનિધિ ચેક અર્પણવિધિમાં સામાજિક શૈક્ષણિક રીતે પછાતવર્ગોના કલ્યાણ અને પ્રવાસન રાજ્યમંત્રી વાસણભાઇ આહીરે તાજેતરમાં વરસાદી વીજળી પડતાં 4 પશુધનની મૃત્યુ સહાયના  લાભાર્થી પશુપાલકોને 1 લાખ છ હજાર રૂપિયાના ચેક અર્પણ કર્યા હતા.  ધમડકા-બુઢારમોરા ગામે તાજેતરમાં ઠાકોર જગમાલજી માનાજીભાઇની એક સગર્ભા ભેંસ અને 1 પાડી પર વીજળી પડતાં ઘટના સ્થળે બંને પશુ મૃત્યુ પામતાં રાજ્ય સરકાર દ્વારા પશુ મૃત્યુ સહાય યોજના હેઠળ તેમને 1 ભેંસના રૂા. 30 હજાર અને પાડીના રૂા. 16000 થઇ કુલ રૂપિયા 46 હજારનો ચેક અર્પણ કરાયો હતો.દેવીસર ગામે સામજી તેજા ડાંગરની બે ભેંસો પર તાજેતરમાં વીજળી પડતાં તેની મૃત્યુ સહાય પેટે રૂા. 60 હજારનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.  રાજ્યમંત્રીએ ચેક વિતરણ કરતાં પશુપાલકોને આશ્વાસન આપતાં બંને ગામના ખબરઅંતરની પૃચ્છા કરી હતી. આ પ્રસંગે તેમની સાથે ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, કલેક્ટર પ્રવીણા ડી.કે., પ્રાંત અધિકારી અંજાર વિમલ જોશી, તાલુકા વિકાસ અધિકારી શ્રી દેસાઇ, વી.આઇ. પ્રજાપતિ અને અગ્રણી ખેડૂત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer