કિડાણામાં ડેવલોપર્સ દ્વારા ગ્રાહકો સાથે છેતરપિંડી કરાતી હોવાનો આક્ષેપ

કિડાણામાં ડેવલોપર્સ દ્વારા ગ્રાહકો સાથે છેતરપિંડી કરાતી હોવાનો આક્ષેપ
ગાંધીધામ, તા. 7: તાલુકાના કિડાણા ગામની આસપાસ બનેલી સોસાયટીઓમાં માળખાંકીય સુવિધાઓના અભાવના મામલે કોંગ્રેસ દ્વારા રૂબરૂ મુલાકાત લઈ માહિતી મેળવાઈ હતી. ગામની આસપાસ બાહ્ય કોલોનીઓનું સતત નિર્માણ થઈ રહ્યું છે. પરંતુ પ્રાથમિક સુવિધાના અભાવે રહેવાસીઓ મકાન ખરીદીને છેતરાયા હોવાની લાગણી વ્યક્ત કરી રહ્યા છે.  જિલ્લા  કોંગ્રેસના મંત્રી ગોવિંદ દનીચાએ આ વિસ્તારની મુલાકાત લઈ લોકોની સમસ્યાની જાણકારી મેળવી હતી. આ દરમ્યાન તેમની સમક્ષ પાણીની સમસ્યા, આંતરિક માર્ગોનો અભાવ, સ્ટ્રીટ લાઈટ, ગટર સમસ્યા, સાફસફાઈ,  વકરતા જતાં દબાણ વિગેરે અંગે ચર્ચા કરાઈ હતી. લોકોએ આ સમસ્યાઓથી ત્રસ્ત થયા હોવાની વ્યથા કહી હતી. કેટલાક ડેવલોપર્સ દ્વારા મકાન બૂક કરાવતી વખતે મોટા પાયે ચાંદ તારા બતાવ્યા બાદ અધુરાં કામે મકાનની ફાળવણી કરી ગ્રાહકો સાથે છેતરપિંડી કરાતી હોવાનો આક્ષેપ રહેવાસીઓએ કર્યો હતો. ગ્રાહકો પાસેથી ડેવલોપમેન્ટ ચાર્જ  પૂરેપૂરો વસૂલવામાં આવે છે. પરંતુ પ્રાથમિક સુવિધાઓ આપવામાં પાછીપાની કરાતી હોવાનો આક્ષેપ લોકોએ રોષ સાથે કર્યો હતો. બાહ્ય સોસાયટીઓના પ્રશ્ને ઉચ્ચસ્તરે રજૂઆત કરવાની ખાતરી શ્રી દનીચાએ આપી હતી. તેમજ ગ્રાહકો સાથે છેતરપિંડી કરતા લોકો વિરુદ્ધ  નજીકના ભવિષ્યમાં ઝુંબેશ ચલાવવામાં આવશે તેવું ઉમેર્યું હતું.  આ વેળાએ કોંગ્રેસના આગેવાનો હુસેન સુલેમાન જામ, વસીમ હાજી આમદ સોઢા, સબીર હાજી આમદ સોઢા, રવી ધેડા, અનવર બાપડા, ફકીર સોઢા તેમજ મહિલા આગેવાનો જોડાયાં હતાં.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer