રુકમાવતી બારેય ત્રાકમાંથી સાગરની સંગમાં

માંડવીથી દેવેન્દ્ર વ્યાસના હેવાલ મુજબ ઉપરવાળાએ છપ્પડ ફાડીને આપવાનું મન બનાવ્યું હોય તેમ આ વર્ષે મેઘરાજા સોળે કળાએ મહેરબાન થતાં વીતેલા 24 કલાક દરમ્યાન વધુ સાડા સાત ઇંચ (170 મિ.મી.) પછી પણ માહોલ બકરાર હોવાથી માપયંત્ર ફરતું રહ્યું છે. મોસમનો એકંદર વરસાદી આંક પચીસ ઇંચને આંબવા ગતિશીલ છે. ત્રણ દિવસથી સૂરજદેવ અંધારિયા માહોલમાં ઢંકાયેલા રહ્યા છે. તાલુકાના ગામડાઓમાંથી મહદ્અંશે સચરાચર મેઘમહેરના વાવડ મળી રહ્યા છે. ભૂતળની ગુણવત્તા સુધાર માટે પ્રેમાળ પધરામણીએ જીવસૃષ્ટિ અને જમીનને મલકાવી મૂકી છે. રુકમાવતી બારેય ત્રાકમાંથી વહી રહી છે. પંથકના ગામોમાં ત્રણેય દિશાએ ત્રણથી પાંચ ઇંચના સમાચાર મળ્યા છે. ખારોડ નદી બે કાંઠે વહી રહી છે. પખવાડિયા પહેલાં પંદર ઇંચ ખાબક્યા પછી ત્રીજા રાઉન્ડમાં ધરતીના ધણીએ ધરાને નવડાવતાં ગત સંધ્યાથી આજે સાંજ સુધીમાં છ ઇંચને છૂ લેવા તરફ વરુણદેવે વહાલપ રાખી છે. જળાશયની આવની સમાંતરે રસ્તાઓ વહેતા રહ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. એકંદરે ચોમાસાએ લીલાલહેર કરાવતાં હરખના હિલોળા અનુભવાયા છે. રુકમાવતી નદી રુમઝુમ વહી રહી છે. નાના રતડિયાથી મુરુભા જાડેજા, વિક્રમસિંહ જાડેજા (મુન્નાભાઇ)એ આપેલી જાણકારી મુજબ બપોર પછી ત્રણ કલાક વરસાદ જારી છે. હમલા-રતડિયા વચ્ચેથી વિહરતી ખારોડ નદી બે કાંઠે વહી રહી છે. નાના-મોટા રતડિયા, નાગ્રેચા, ઉનડોઠ, રાજડા, ભોજાય, શેરડી પંથકમાં ત્રણ-સાડા ત્રણ ઇંચ પાલર પાણી વરસી રહ્યું છે. બાડાથી હરિયા હાઇસ્કૂલના આચાર્ય રસેશભાઇ રાવલે બાડા, જનકપુર, ભીંસરા, પાંચોટિયા, ભાડા, નાના લાયજા, માપર વગેરે ગામોમાં જમાવટના સમાચાર આપતાં ત્રણેક ઇંચ ધોધમાર, ઝાપટાએ રંગત જમાવી હોવાનું કહ્યું હતું. ડોણથી કિસાન અગ્રણી નારાણભાઇ સામજી કેરાઇ, ખીમજીભાઇ કેરાઇએ ડોણ, દુર્ગાપુર, રાયણ વિસ્તારમાં બપોર બાદ 4થી પાંચ ઇંચ અમિદૃષ્ટિ થતાં આનંદોત્સવ છવાયો હોવાની વિગતો આપી હતી. તાજેતરમાં તળ ઊંડા કરાયા પછી સતત બીજા વર્ષે પણ વરણીરાજ તળાવ છકલકાઇ જતાં પચીસેક ખેડૂતોને જળસંચય થકી ફાયદો થશે. શિરવાથી કિશોરભાઇ ભદ્રાની વિગતો મુજબ શિરવા, મેરાઉ, કાઠડા, લાયજા વિસ્તારમાં પાંચ-સાડા પાંચ ઇંચની મોજ થતાં જળસંચય તળ સુધારણા માટે આશીર્વાદ નસીબ થયા છે. આ જલસા વચ્ચે કપાસના મોલને નુકસાન થવાની ભીતિ સર્જાઇ છે. ખેતરો તરબતર છે. ગોધરાથી જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના પ્રમુખ અરવિંદભાઇ જોશી, પૂર્વ સરપંચ હાજી સલીમભાઇ ચાકીએ વરસાદના વધામણા આપતાં કેશરિયા જળાશય છલકાઇ ગયું હોવાનું કહ્યું હતું. પંથકમાં પ્રેમાળ હાથ ધરતીના ધણીએ ફેરવ્યો છે. બિદડાથી ભરતભાઇ સંઘારે કહ્યું હતું કે, બિદડા, ભાડિયા, નાની ખાખર, ફરાદી, પીપરી, તલવાણા પંથક પર ત્રણ-સાડા ત્રણ ઇંચ જળાધારી થતાં પંદર દિવસ પહેલાંની પોખ લાભમાં લડાવાઇ છે. બેથી સાંજે છ દરમ્યાન જમાવટ થકી છેલા, વોકળા, ચેકડેમો છલકાઇ ગયા છે. પાણીથી ખેતરો ભરાયા છે. ઢીંઢ, નાગલપર, મસ્કા, પિયાવા પંથકમાં પણ અમીદૃષ્ટિના વાવડ છે. દરમ્યાન અહીંના બંદર અધિકારી આર. સી. પટેલે પોર્ટ પર ત્રણ નંબરના સિગ્નલની સૂચનાની જાણકારી આપી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer