આજથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટની વાપસી

સાઉથમ્પટન, તા. 7 : ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે અહીં આવતીકાલ બુધવારથી અજેસ બાઉલ સ્ટેડિયમમાં શરૂ થઈ રહેલ ત્રણ ટેસ્ટની સીરિઝના પહેલી મેચમાં ક્રિકેટની રમત કોરોનાકાળ વચ્ચે બદલાયેલા અંદાજમાં વાપસી કરશે. કોરોના મહામારીને લીધે માર્ચ મધ્યથી ક્રિકેટ બંધ છે. હવે 118 દિવસ બાદ ઇન્ટરનેશનલ ક્રિકેટની વાપસી થઈ રહી છે.કોવિડ-19ને લીધે આઈસીસીએ કેટલાક નિયમો બનાવ્યા છે. જે અનુસાર આ સિરીઝ ખાલી સ્ટેડિયમમાં દર્શકોની હાજરી વિના રમાશે. દડાને ચમકાવવા માટે લાળનો ઉપયોગ કરી શકાશે નહીં. ઇંગ્લેન્ડ અને વિન્ડિઝ બન્ને ટીમ પાસે સારી પેસ બેટરી છે. જો કે વિન્ડિઝ કરતા ઇંગ્લેન્ડની બેટિંગ લાઇન અપ વધુ મજબૂત છે અને તેને ઘર આંગણાની વિકેટનો લાભ મળશે. આથી આજથી શરૂ થતી પહેલી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડની ટીમને ફેવરિટ માનવામાં આવે છે. મેચ ભારતીય સમય અનુસાર બપોરે 3-30થી શરૂ થશે અને તેનું જીવંત પ્રસારણ સોની સિક્સની ચેનલ પર થશે. યજમાન ટીમ ઇંગ્લેન્ડનું નેતૃત્વ ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ સંભાળશે. નિયમિત સુકાની જો રૂટ તેના બીજા સંતાનના જન્મનાં કારણે વિશ્રામ પર છે. ઇંગ્લેન્ડ પાસે અનુભવી ઝડપી બોલરની જોડી જેમ્સ એન્ડરસન અને સ્ટૂઅર્ટ બ્રોડ છે. આ ઉપરાંત જોફ્રા આર્ચર તથા ક્રિસ વોકસ છે, જ્યારે વિન્ડિઝ પાસે શેનન ગેબ્રિયલ, કેમાર રોચ, અલ્જારી જોસેફ અને સુકાની જેસાન હોલ્ડરના રૂપામાં ફાસ્ટ બોલર છે. હવે જોવાનું એ રહે છે કે દડા પર લાળનો ઉપયોગ કર્યા વિના આ બોલરોનું પ્રદર્શન કેવું રહે છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer