વેલમાર્ક લો પ્રેશર હજુ સક્રિય : ગુરુવાર સુધી ભારે વરસાદની વકી

ભુજ, તા. 7 : સૌરાષ્ટ્ર-કચ્છ પર સર્જાયેલું વેલમાર્ક લો પ્રેશર હજુ સક્રિય હોવા સાથે 7.6 કિ.મી.ની ઊંચાઇએ સાયકલોનિક સર્ક્યુલેશન છવાયેલું હોતાં આ બેવડી સિસ્ટમની અસર તળે જિલ્લામાં હજુ ગુરુવાર સુધી ભારે વરસાદ વરસવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. કાંઠાળપટ્ટામાં વરસાદનું જોર વધુ રહેશે. ભુજ હવામાન કચેરીના પ્રભારી રાકેશકુમારે માહિતી આપતાં કહ્યું કે, વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ હવે સૌરાષ્ટ્ર અને તેની આસપાસના વિસ્તારમાં કેન્દ્રિત છે તો વળી જ્યાં સુધી સર્ક્યુલેશનની હાઇટ ઘટશે નહીં ત્યાં સુધી સિસ્ટમ નબળી પડવાની શક્યતા ન હોતાં ગુરુવાર સુધી આ માહોલ જારી રહ્યા બાદ ક્રમશ: જોર ઘટશે. સિસ્ટમની અસર હેઠળ જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં હળવાથી મધ્યમ અને કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની પણ સંભાવના છે. ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર પણ એલર્ટ મોડમાં છે. તકેદારીના ભાગરૂપે એનડીઆરએફની એક ટીમ પણ ભુજમાં સ્ટેન્ડબાય રખાઇ છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer