સુમરાસર (શેખ)ના સરપંચ દ્વારા ભ્રષ્ટાચાર આચરાતો હોવાનો આક્ષેપ

સુમરાસર (શેખ) (તા. ભુજ), તા. 7 : અહીંના મહિલા સરપંચ અને તેમના પતિ દ્વારા સરકાર દ્વારા વિકાસકામો માટે ફાળવવામાં આવતી ગ્રાન્ટોમાં ભ્રષ્ટાચાર આચરાતો હોવાના આક્ષેપ સાથે ગ્રામ પંચાયતના સદસ્યોને વિશ્વાસમાં લેવાતા નથી અને ટેન્ડર પ્રક્રિયા વિના હલકી ગુણવત્તાનાં કામો કરી લાખોની ખાયકી કરાઈ રહી હોવાથી જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ તપાસની માંગ કરવામાં આવી છે. જિલ્લા વિકાસ અધિકારીને પાઠવાયેલા પત્રમાં જણાવાયા મુજબ સરકાર દ્વારા ફાળવાતી ગ્રાન્ટોનો સરપંચ દ્વારા મનફાવે તેમ ઉપયોગ કરવામાં આવે છે અને સામાન્ય સભાના ઠરાવોને અવગણી મનમાનીથી ફેરફાર કરાય છે. ગ્રામલોકો પાસેથી દર માસે પાણીવેરા પેટે રૂા. 30 ઘર દીઠ ઉઘરાવાય છે. પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી કોઈ હિસાબ-કિતાબ અપાતો નથી. તેમ કોરોના માટે ચૌદમા નાણાપંચમાંથી ગ્રાન્ટ ફાળવાઈ હતી પરંતુ ગામમાં કોઈને માસ્ક અપાયા નથી. તો ધારાસભ્ય દ્વારા અપાયેલા માસ્કનું પણ વિતરણ નથી કરાયું, ગામમાં ગટર સફાઈ માટે લોકો પાસેથી રૂપિયા ઉઘરાવાય છે. આ ઉપરાંત સીસી રોડ, ગટરલાઈન, પ્રી-મોન્સૂન કામગીરી, પશુઓ માટે ટેન્કર વાટે પાણી સહિતનાં કામોમાં લાખોની ખાયકી કરી હલકી ગુણવત્તાનાં કામો કરવામાં આવી રહ્યાં હોવાનું આદમ શેખ, ગોપાલ ફફલ, સુમાર શેખ સહિતના લોકોએ સહી સાથે અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યું છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer