ગાંધીધામમાં પાણીની લાઇન બેસાડવા માટેના પાલિકાના પાઇપ તફડાવાયા !

ગાંધીધામ, તા. 7 : અહીંની નગરપાલિકાના પાણીના ટાંકા પરથી મોટરચોરી, ટાઉનહોલમાંથી જુદી જુદી વસ્તુઓની ચોરી વગેરે બનાવો અગાઉ બન્યા છે. હવે ગુરુકુળ વિસ્તારમાં પાણીની લાઇન નાખવા માટે પડેલા 6 ઇંચની સાઇઝના 40 પાઇપ કોઇ ચોરી જતાં ભારે ચકચાર પ્રસરી છે. આદિપુરમાં સંતોષી માતા ચાર રસ્તા પાસે પાલિકાની વોર્ડ ઓફિસ કોઇ શખ્સોએ તોડી પાડી હતી. તેમાં કોઇ જ પોલીસ ફરિયાદ ન થઇ, અગાઉ મોટરચોરી, ગ્રીલમાં લાગેલી લોખંડીની જાળીની ચોરી, પાણીના વાલ્વની ચોરી, બગીચાઓમાં લાગેલાં રમત-ગમતનાં સાધનોની ચોરી વગેરે અનેક બનાવો બન્યા છે પરંતુ પાલિકાએ  ક્યારેય સમ ખાવા પૂરતી  પોલીસ મથકે ફરિયાદ નોંધાવી નથી. હાલમાં પાલિકાએ એક ખાનગી કોન્ટ્રાક્ટરને ગુરુકુળથી સુંદરપુરી સુધી પીવાનાં પાણી માટે લાઇન નાખવા કોન્ટ્રાકટ આપ્યો હતો. (પાણીની લાઈન નાખવા પાલિકા ખુદ કોન્ટ્રાક્ટરને પાઇપ આપતી હોય છે.) આ કોન્ટ્રાક્ટરે પાલિકાના સ્ટોર રૂમમાંથી 40 પાઇપ કઢાવ્યા હતા અને કામ શરૂ કરવાનું હતું  પરંતુ ગમે તે કારણે આ કામ ચાલુ કરાયું નહોતું. આ ખાનગી ઠેકેદારે પોતાના ઘર પાસે જ 40 પાઇપ ઉતાર્યા હતા. દરમ્યાન બે દિવસ પહેલાં તેના ઘર પાસેથી 6 ઇંચની સાઇઝના તથા 30 ફૂટનો એક એવા 40 પાઇપ કોઇક તફડાવી ગયા હતા. આટલી માત્રામાં પાઇપ ઉપાડવા માટે મોટું વાહન, મૂજરો જોઇએ તથા તેમને પણ બે-ત્રણ કલાકનો સમય જોઇએ ત્યારે  ઠેકેદારના ઘર પાસેથી પાઇપ ઉપડી ગયા છતાં કોઇને ખબર ન પડે તે આશ્ચર્યજનક બાબત હોવાનું લોકો જણાવી રહ્યા છે.અંતરંગ સૂત્રોએ જણાવ્યું હતું કે ઠેકેદારે જ  પોતાના અન્ય કામમાં પાઇપ વાપરી નાખ્યા હશે અને ચોરીનું બહાનું છે, તો અન્યોએ કહ્યું હતું કે, પાલિકાના અન્ય કોઇ ઠેકેદારે ચોરી લીધા હશે. જો આ અંગે પોલીસ મથકે ગુનો નોંધાય તો પોલીસ વધુ સ્પષ્ટતા કરી આપે તેમ છે, પરંતુ અગાઉની જેમ આ બનાવમાં પણ પોલીસ મથકે કોઇ જ ફરિયાદ નોંધાઇ નથી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer