કોરોનાના વધતા કેસ વચ્ચે સાવચેતી જ એક માત્ર ઉપાય

ગાંધીધામ, તા.7 : હાલ કોરોનાના કેસ વધતા જાય છે ત્યારે હવે વધુ સાવચેતી અને સલામતી રાખવી  એ જ સાચો ઉપાય હોવાનું જણાવી  તકેદારી રાખવા આરોગ્ય વિભાગ દ્વારા અનુરોધ કરાયો છે. ગાંધીધામના તાલુકા આરોગ્ય અધિકારી ડો. દિનેશ સુતરિયાના જણાવ્યા પ્રમાણે એક જ કુટુંબમાં 3થી 4 પોઝિટિવ કેસ આવી રહ્યા છે. આવા સંજોગોમાં હાઈ રિસ્ક વિસ્તારમાંથી આવતા ઘરના સભ્યો કે મહેમાનોએ ઘરના બીજા સભ્યો કે બાળકો, વડીલો સાથે અંતર જાળવવું જોઈએ.શક્ય હોય તો અલગ અલગ બાથરૂમનો ઉપયોગ કરવો, જો એક જ બાથરૂમ હોય તો ઉપયોગ કર્યા પછી જ સાફ કરી સેનિટાઈઝ કરવા અપીલ કરાઈ છે.  ઘરના દરવાજા પાસે જ સેનિટાઈઝર રાખવું અને ઉપયોગ કર્યા પછી જ ઘરની અંદર પ્રવેશ કરવો. બહારથી આવો ત્યારે ઘરના કોઈ પણ સભ્ય કે વસ્તુને અડયા વિના સીધા બાથરૂમમાં જઈને સ્નાન કરવું, કપડાં  ગરમ પાણીથી ધોવા, બિનજરૂરી બહાર જવાનું ટાળવું, એક મીટર અંતર રાખવું, બહાર જાવ ત્યારે માસ્ક પહેરવું વિગેરે તકેદારી રાખવા જણાવાયું છે, તથા શરદી, ઉધરસ, તાવ જેવા લક્ષણો હોય, ડાયાબિટીસ, કેન્સર, બ્લડપ્રેશરના દર્દીઓ, નાના બાળકો, સગર્ભાએ ખાસ તકેદારી રાખવા આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરાઈ છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer