ગાંધીધામમાં આત્મનિર્ભર યોજના તળે 61.50 લાખનું ધિરાણ મંજૂર

ગાંધીધામ, તા.7 :ગાંધીધામ મર્કન્ટાઈલ કે. ઓપરેટીવ બેન્કની ગાંધીધામ અને ભુજ શાખા દ્વારા આત્મનિર્ભર-1 અને યોજના -2 અંતર્ગત 64 જેટલી અરજીઓ મંજૂર કરવામાં આવી હતી. બેન્ક દ્વારા જારી કરાયેલી અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે 1 લાખના ધિરાણની યોજનાના 839 ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું. જે પૈકી 71 ગ્રાહકોની  71 લાખની અરજીઓ બેન્કને પરત મળી હતી. જે પૈકી 63 અરજીઓમાં રૂા. 61.50 લાખનું ધિરાણ મંજૂર કરવામાં આવ્યું હતું. તે પૈકી 48 અરજીની રૂા. 46.50 લાખની રકમ ગ્રાહકોને ચૂકવી આપવામાં આવી છે. ધિરાણ અંગેની આ અરજી સરકારના આદેશ મુજબ આગામી 31 ઓગસ્ટ સુધી સ્વીકારવામાં આવશે. ત્યાર બાદ બેન્ક અરજી સ્વીકારી શકશે  નહીં. આત્મનિર્ભર -2 યોજનાના ફોર્મનું પણ બેન્ક દ્વારા વિતરણ ચાલુ કરાયું છે. આ યોજનામાં અત્યાર સુધી 54 ફોર્મ વિતરિત કરવામાં આવ્યાં છે. તેમાંથી એક ગ્રાહકની અરજી બેન્કને પરત મળી છે. તે અરજીનું રૂા. 2.50 લાખનું ધિરાણ મંજૂર કરાયું છે. આ યોજનામાં રૂા. 2.50 લાખનું ધિરાણ 8 ટકાના  વ્યાજે મંજૂર કરવામાં આવશે. તેમાં જે રેગ્યુલર ખાતેદાર હશે તેમને રાજ્ય સરકાર દ્વારા 4 ટકા વ્યાજમાં સબસિડી મળશે. આ યોજના હેઠળ ધિરાણ મેળવવા બેન્કના સભાસદો અને ગ્રાહકોને  બેન્કનો સંપર્ક સાંધવા ચેરમેન ચંપાલાલ પારખ, વાઈસ ચેરમેન દિનેશ એન. ગુપ્તા અને એમ.ડી. બાબુલાલ એ. સીંધવીએ જણાવ્યું છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer