ધો. 6થી 8માં વ્યાયામ અને ચિત્ર શિક્ષક મૂકવા માગણી

અંજાર, તા. 7 : ગુજરાતની મોટાભાગની પ્રાથમિક શાળાઓમાં ગામડાંનાં બાળકો અભ્યાસ કરે છે. જેઓ શારીરિક રીતે સશક્ત હોય છે અને રમતગમત ક્ષેત્રમાં સારો દેખાવ કરતાં હોય છે, પણ આવા રમતગમત જેવા વિષયો અભ્યાસમાંથી કાઢી નાખતાં આવાં બાળકોની કારકિર્દી ઉપર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. તો પુન: શારીરિક શિક્ષણના વિષયને પ્રાથમિક શાળાઓમાં લાગુ કરવામાં આવે તેવી જિલ્લા કોંગ્રેસના મંત્રીએ શિક્ષણમંત્રી સમક્ષ માંગ કરી હતી. વ્યાયામ શિક્ષક કે ચિત્ર શિક્ષકની ભરતી કરવા માટે કોઈ પરિપત્ર કે નવા જી.આર. કરવાની કોઈ જરૂરત રહેતી નથી. ફક્ત રાઈટ ટુ એજ્યુકેશનની કલમને અનુસરવાનું છે અને રાજ્યપાલના પરિપત્રને અનુસરવામાં આવે તો પણ વિષય દાખલ કરીને કાયમી શિક્ષકની ભરતી થઈ શકે તેમ છે. `બ' મુજબ ધોરણ 6થી 8માં આ વિષયની જોગવાઈ કરી છે. જે જોગવાઈ મુજબ દરેક શાળામાં શિક્ષક મૂકવા. જે શાળામાં ધો. 6થી 8માં 100 કે તેથી વધુ વિદ્યાર્થીઓ હોય ત્યાં એક વ્યાયામ શિક્ષક અને એક ચિત્ર શિક્ષક હોવા જોઈએ તેવું કોંગ્રેસના મંત્રી દિનેશભાઈ  માતાએ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને લખેલા પત્રમાં જણાવ્યું હતું.ધોરણ 6થી 8માં ગુજરાતી, ગણિત, હિન્દી, સામાજિક વિજ્ઞાન જેવા વિષયો ફરજિયાત છે. તેવી જ રીતે ધોરણ 6થી 8માં વ્યાયામ વિષયને ફરજિયાતપણે દાખલ કરવામાં આવે તો બીજા વિષયોની જેમ વિદ્યાર્થીઓ રમતગમતમાં પણ પોતાની કારકિર્દી બનાવી શકે. જેથી ગામ, જિલ્લો, રાજ્યનું નામ રોશન કરી  શકે. આ વિષયના શિક્ષકોની ભરતી તાત્કાલિક કરવી અને હાલમાં જે વ્યાયામની લાયકાત ધરાવે છે તેવા વ્યાયામ શિક્ષકોને ધોરણ 6થી 8માં વ્યાયામ શિક્ષક તરીકે તાત્કાલિક મૂકી દેવામાં આવે તો ધાર્યું પરિણામ મળી શકે તેમ છે. ગુજરાત રાજ્યમાં 10 વર્ષથી વધુ સમય થયો શારીરિક શિક્ષણ અને કલાના શિક્ષકોની ભરતી કરેલ નથી. ધોરણ 6થી 8 અને 9થી 12 અને કોલેજના આ વિષયને ન્યાય મળ્યો નથી તેવું પણ તેમણે પત્રમાં જણાવ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer