પ્રિમોન્સૂન કામગીરી પાછળ થતો લાખો રૂપિયાનો ખર્ચ એળે તો નથી જતો ને ?

ભુજ, તા. 7 : આ વખતે કોરોનાને કારણે પ્રિમોન્સૂન કામગીરી તેના નિર્ધારિત સમયથી મોડી શરૂ થવા સાથે ચોમાસાના સત્તાવાર આગમન પહેલાં પૂર્ણ થશે કે કેમ તે અંગે ઊઠી રહેલા અનેકવિધ સવાલો વચ્ચે દર વર્ષે પ્રિમોન્સૂન કામગીરી પાછળ વપરાતા નાણાં એળે જઈ રહ્યા હોવાની કડવી વાસ્તવિકતાવાળી સ્થિતિ સર્જાઈને સામે આવતી દેખાઈ રહી છે.વર્ષોથી ચાલી આવતી પ્રિમોન્સૂન કામગીરીની જૂની ઘરેડમાં બદલાવ લાવવો અનિવાર્ય બની ગયો છે. જિલ્લા-તાલુકા કક્ષાએ બેઠક યોજવામાં આવે, સંબંધિત વિભાગોને દર વર્ષે અપાતી એ જ સૂચનાઓનું કડક પાલન કરવાની તાકીદ કરવામાં આવે, બેઠકમાં ઉપસ્થિત તમામ વિભાગના જવાબદારો કાગળ પર પ્લાનિંગની અસરકારકતા દેખાડતો રિપોર્ટ જિલ્લા અને રાજ્ય સ્તરે આપીને પોતાની જવાબદારી નિભાવ્યાનું બતાવી દે.આ તમામ પદ્ધતિમાં હવે નાનાસૂના નહીં ધરમૂળથી ફેરફાર કરવા અનિવાર્ય-આવશ્યક બની ગયા છે. ભુજના જાગૃત નાગરિક વીરલભાઇ વોરા સહિતના જાગૃતોએ જણાવ્યું કે, જો પ્રિમોન્સૂન કામગીરી પર સઘન મોનિટરિંગ કરવામાં આવે તો તેનો મોટો ફાયદો મળી શકે તેમ હોવા છતાં આ કાર્ય સાથે સંકળાયેલ વિભાગો આ બાબતને લઈ જોઈએ તેટલી ગંભીરતા દાખવતા નથી. શહેરી હોય કે ગ્રામ્ય વિસ્તાર નાલા સફાઈથી લઈ અન્ય તમામ પ્રકારની કામગીરી કે જે વરસાદની સ્થિતિ સમયે મુશ્કેલી સર્જી શકે તેવી હોવા છતાં ચોમાસા પૂર્વે મોટા-મોટા આયોજનો ઘડાય તેના માટે મોટી રકમનો ખર્ચ પણ થાય. આમ છતાં વરસાદ સમયે આ તમામ મુશ્કેલીઓ મોં ફાડીને સામે આવી જતી હોય છે. ખરેખર તો કયો વિભાગ પ્રિમોન્સૂન કામગીરી માટે કેટલી રકમ ફાળવે છે. જેટલી રકમ ફાળવે તેની સામે કેટલી રકમ વપરાય છે અને વપરાયેલી રકમ પાછળ કયા કયા કામો કરવામાં આવે તેનું માત્ર સઘન મોનિટરિંગ કરી તાગ મેળવવામાં આવે તો પણ ઘણી બધી કડવી વાસ્તવિકતાઓ ઉઘાડી પડી જતી હોય છે. જો પ્રિમોન્સૂનના નામે મસમોટી રકમ ખર્ચાયા બાદ પણ સ્થિતિમાં કોઈ મોટો ફેર પડતો ન હોય તો આ નાણાં વાપરવાનો અર્થ શું તેવા વેધક સવાલો ખડા થઈ રહ્યા છે એ સહજ સ્વાભાવિક છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer