ભુજમાં વાયુદળ કર્મચારી સાથે કારની ઓનલાઇન ખરીદીમાં કરાયો વિશ્વાસઘાત

ભુજ, તા. 7 : ઓનલાઇન કાર ખરીદીના સોદામાં અત્રેના વાયુદળના કર્મચારી વિરેન્દ્રકુમાર રામઅવધ મોર્ય સાથે રૂા. 36 હજારની રોકડની ઉચાપત થયાનો મામલો પોલીસ દફતરે ફરિયાદના સ્વરૂપમાં ચડયો છે. આ મામલામાં પોતાની ઓળખ સી.આઇ.એફ.એસ.ના અધિકારી તરીકેની આપનારા અમનકુમાર આગરા નામના શખ્સ સામે તેના મોબાઇલ નંબરના આધારે ગુનો દાખલ કરાયો હતો. ભુજમાં વાયુદળ સંકુલ ખાતે ફરજ બજાવતા શ્રી મોર્યએ સોશિયલ મીડિયાના માધ્યમથી ક્વીકર ડોટ કોમ નામની સાઇટ થકી પી.બી.-10-ઇ.યુ.-268 નંબરની મારૂતિ અલ્ટો કારનો સોદો આરોપી સાથે કર્યો હતો. આ પછી તહોમતદારે પેટીએમ ખાતામાં રૂપિયા જમા કરાવી કાર ન આપી આ વિશ્વાસઘાત કર્યો હતો તેવું ફરિયાદમાં લખાવાયું છે.  વેબસાઇટ ઉપર ગાડીના વેંચાણની વિગતો જોયા બાદ આ અલ્ટો કાર પસંદ આવી જતાં ભોગ બનનારે બતાવેલા મોબાઇલ ફોન નંબર ઉપર સંપર્ક કરતાં ફોન ઉપાડનારે પોતાનું નામ અમનકુમાર આગ્રા હોવાનું અને પોતે સી.આઇ.એફ.એસ.માં પંજાબ ખાતે ફરજ બજાવતો હોવાનું આરોપીએ જણાવ્યું હતું. પોતાની આગ્રા બદલી થયેલી હોવાથી આ કાર વેંચવા કાઢી હોવાનું તેણે ફરિયાદીને જણાવ્યું હતું. આ શખ્સે પોતાના ડ્રાઇવિંગ લાયસન્સ, ગાડીના કાગળો અને ઓળખપત્ર પણ વોટ્સએપ મારફતે મોકલ્યાં હતાં. આ પછી એડવાન્સ પેટે પહેલાં 11 હજાર અને બાદમાં 25 હજાર લીધા પછી આ ઉચાપતને અંજામ અપાયો હતો. આ પ્રકરણમાં ભોગ બનનારે પોલીસને અરજી આપી હતી. જેમાં અંતે એ. ડિવિઝન ભુજ પોલીસે વિધિવત ગુનો આજે દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે તેમ પોલીસ સાધનોએ જણાવ્યું હતું.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer