ગાંધીધામમાં એ યુવાનને આપઘાત કરવા માટે મજબૂર કરાયો હતો

ગાંધીધામ, તા. 7 : શહેરના ટ્રાન્સપોર્ટ નગર વિસ્તારમાં જયેશ માલી નામના યુવાનના આપઘાત પ્રકરણમાં બે શખ્સો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. મેઘપર બોરીચીની શિવધારા સોસાયટીમાં રહેનારો જયેશ માલી નામનો યુવાન કચ્છ માર્કેટિંગમાં  કામ કરતો હતો. તેણે આ દુકાનના ગોદામમાં જઇ ગળેફાંસો ખાઇ લીધો હતો. જે-તે વખતે પોલીસે તેના પેન્ટના ખિસ્સામાંથી સ્યુસાઇડ નોટ પણ કબ્જે લીધી હતી. તેનો મોબાઇલ હેક કરી તેના ત્રણ બેન્ક ખાતાં ખોલાવી આ જ દુકાનમાં કામ કરનારા બે શખ્સો તેને હેરાન પરેશાન કરતા હતા. આ બનાવ અંગે શિણાય યોગીપુરમમાં રહેતા રાહુલ અશોક શર્મા તથા ગળપાદરમાં રહેતા વિપુલ દેવજી ચૌધરી વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. આ બંને શખ્સોએ જયેશને એટલી હદે પરેશાન કર્યો હતો કે, અંતે તેને આપઘાત કરવાનો વારો આવ્યો હતો. આ યુવાનને મરવા મજબૂર કરનારા આ શખ્સો વિરુદ્ધ વિજય પ્રેમજી માલીએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer