અંજાર નગરપાલિકાએ કર્મચારીને છૂટા કરતાં બેજવાબદારીનો આક્ષેપ
અંજાર, તા. 6 : અવારનવાર વિવાદમાં રહેલી અંજાર નગરપાલિકાના સત્તાધારી પક્ષ તેમજ વહીવટી તંત્ર દ્વારા બેજવાબદારીભર્યા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. તાજેતરમાં મળેલી સામાન્ય સભામાં અંજાર નગરપાલિકાના ચીફ ઓફિસરને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે કયા કારણોસર કોરોનાના કહેર વચ્ચે કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા છે. વયમર્યાદાનું બહાનું બતાવી ઉડાઉ જવાબ આપ્યો છે. જ્યારે ભારતના વડાપ્રધાન દ્વારા સ્પષ્ટ જણાવાયું છે કે કોઈ પણ કર્મચારીને ફરજ પરથી છૂટા કરવામાં ન આવે ત્યારે અંજારના ચીફ ઓફિસર દ્વારા વડાપ્રધાનની સૂચનાથી પણ ઉપરવટ જઈ નિર્ણય કરવામાં આવ્યો છે. તે બાબતે વિપક્ષ દ્વારા સત્તાપક્ષના સભ્યોનું સમર્થન માગવામાં આવતાં પૂર્વ નગરઅધ્યક્ષા હાલે નગરસેવિકા કલ્પનાબેન શાહ દ્વારા સમર્થન આપવામાં આવતાં ખુદ સત્તાપક્ષ ભોંઠો પડી ગયો હતો. તેવું નગરસેવક જિતેન્દ્ર ચોટારાએ એક યાદીમાં જણાવ્યું હતું. ચીફ ઓફિસર દ્વારા સરકારની કોઈ પણ સૂચના વિના પરીક્ષા લેવાનો ઓફિસ હુકમ બહાર પાડવામાં આવ્યો હતો અને આ પરીક્ષામાં ક્લાર્ક -કોમ્પ્યુટર ઓપરેટરને 50 ટકા ગુણ ફરજિયાત મેળવવાના રહેશે. આ પરીક્ષા પાસ નહીં કરનારાને નોકરીમાંથી છૂટા કરવામાં આવશે તેવું સ્પષ્ટ જણાવાયું હતું. સામાન્ય સભામાં આ મુદ્દે શાસક પક્ષના નેતા દ્વારા આવો કોઈ ઓફિસ હુકમ બહાર પડાયો નથી અને તમારી પાસે પ્રમાણ હોય તો જણાવશો તેવો બેજવાબદાર જવાબ આપીને છટકબારી કરી છે. શહેરમાં સત્તાપક્ષ તેમજ વહીવટી તંત્ર કેટલા અંશે ખાડે પડી ગયા છે તેવું સ્પષ્ટ પુરવાર થાય છે. હાલે અંજાર શહેરના આમ પ્રજાજનોમાં-સોશિયલ મીડિયામાં રોષ ભભૂકી રહ્યો છે એવું તેમણે જણાવ્યું હતું.