ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ `મેઘ'' પધરામણી

ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ `મેઘ'' પધરામણી
ભુજ, તા. 4 : જેઠ માસથી કચ્છમાં સમયાંતરે હાજરી પુરાવી રહેલા મેઘરાજાએ આષાઢી બીજની પૂર્વ સંધ્યાએ જિલ્લાના મોટાભાગને આવરી લઈ ઝાપટાં વરસાવતા આ વખતે ચોમાસું ન્યાલ કરશે તેવી આશા બંધાઈ અને ત્યાં જ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર તળે હવામાન ખાતાએ આગાહી પણ કરતાં ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહેલા કચ્છ પર આર્દ્રા નક્ષત્રમાં જ આજે મેઘરાજાએ પૂર્વથી પશ્ચિમ મહેર કરી હતી. જિલ્લા મથક ભુજ અસહ્ય બફારાથી સમસમ્યા બાદ રાત્રે આઠેક વાગ્યે ગાજવીજ સાથે મેઘરાજાએ પુન: પધરામણી રૂપે ઝરમરથી પ્રારંભ કર્યો હતો. જ્યારે પશ્ચિમ કચ્છમાં લખપત, અબડાસા, નખત્રાણામાં ઝાપટાથી એક-દોઢ ઈંચ પાણી વરસી જતાં ખેડૂતો ગેલમાં આવી ગયા છે. ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ જામેલા વરસાદી માહોલે આખા જિલ્લામાં એક ચમકારો લાવી દીધો છે. સદાય અનરાધાર મેહ વરસે તેવી ઈચ્છાઓ ધરાવતા અને વરસાદના વાવડ માટે દુનિયાના કોઈ પણ ખૂણે હોય અચૂક પૃચ્છા કરતા કચ્છીઓ માટે અષાઢ કોરો ન જાય એ જ ગોળ-ધાણા ખાવા જેવા વાવડ છે. આજે વરસાદી હેલીની હાજરી રાપરમાં સાંજે પાંચેક વાગ્યે સર્વપ્રથમ નોંધાઈ હતી અને અડધો ઈંચ વરસાદ વરસ્યા બાદ પશ્ચિમ કચ્છથી આ સવારી પ્રવેશી હોય તેમ લખપતથી ભુજ સુધી મેઘરાજાની અસર વર્તાઈ હતી જે રાત્રે વધે તેવી સંભાવના છે. દયાપર (તા. લખપત)થી વિશ્વનાથ જોશીના હેવાલ અનુસાર સરહદી લખપત તાલુકામાં ભારે ગાજવીજ સાથે વરસાદી ઝાપટું પડતાં પાણી વહી નીકળ્યા હતાં. તાલુકા મુખ્ય મથક દયાપર સહિત દોલતપર, નાની વિરાણી, ઘડુલી, બીટિયારી, સુભાષપર, ધારેશી, માતાના મઢ, અટડા, સાંયરા, સિયોત સહિતનો વિસ્તાર પલળ્યો હતો. દયાપર, ઘડુલી વિસ્તારમાં ઝાપટાનું પ્રમાણ વધારે હોવાથી પાણી વહી નીકળ્યા હતાં. ભારે ગાજવીજ સાથે મેઘરાજાએ તાલુકામાં પ્રવેશ કર્યો પણ જોઈએ તેટલો વાવણીલાયક વરસાદ ન થતાં ખેડૂતો હજુ ગોરંભાયેલા આકાશ સામે મીટ માંડી રાત્રે વરસાદ પડે તેવી આશા રાખી બેઠા છે. વરસાદના ઝાપટાં સાથે જ મુખ્ય મથક દયાપર સહિત ઘણા ગામડાંઓમાં પણ વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. વીજ તંત્રની ટીમ ફોલ્ટ શોધવા કામેલાગી હતી. મઢમાં ધીમી ધાર તાલુકાના માતાના મઢ ખાતે સાંજે પાંચથી છ વાગ્યા દરમ્યાન ધીમી ધારે વરસેલા વરસાદ થકી અડધોથી પોણો ઈંચ પાણી આભમાંથી વરસ્યું હતું. આ ઝાપટાંરૂપી વરસાદના પગલે ગામમાં વીજળી ગુલ થઈ ગઈ હોવાનું ગિરીશ એલ. જોશીએ જણાવ્યું હતું. નખત્રાણામાં આનંદ વરસ્યો નખત્રાણાથી પ્રતિનિધિ અશ્વિન જેઠીના હેવાલ અનુસાર જીવમાત્રને આ અકળામણ - આજાર થાય તેવી અસહ્ય ગરમી બફારા બાદ પશ્ચિમ કચ્છના નખત્રાણા સહિત સમગ્ર ગ્રામ્ય પંથકમાં આઠેક દિવસમાં વિરામ બાદ મેઘરાજાની શુકનવંતી પધરામણી થતાં લોકો આનંદથી ઝૂમી ઉઠયા હતા. સાથે ગરમી-બફારમામાંથી છૂટકારો થતાં હાશકારો થયો હતો. આ સમયસરના વરસાદથી ચોમાસું સારા જવાના એંધાણ સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તાલુકાના મંગવાણા, જિયાપર, સાંયરા, યક્ષ, દેવપર, નખત્રાણા, મથલ, મોરાય, ખોંભડી, રસલિયા, નેત્રા, લક્ષ્મીપર, બેરુ, મોસુણા, પિયોણી, રામપર-રોહા, જાડાય, વ્યાર વિસ્તારમાં એકથી દોઢ ઈંચ જેટલો વરસાદ થયો છે. આ લખાય છે ત્યારે 7.4પના પણ ધોધરામ વરસાદ ચાલુ છે. બપોર બાદ ઈશાન-પૂર્વ - પશ્ચિમ દિશામાંથી વરસાદી વાદળોની સેરો નીકળી હતી તેમજ ધીરે ધીરે આકાશ કાળા ડીબાંગ વરસાદી વાદળોથી ઘેરાયા બાદ સાંજે છએક વાગે ઠંડા પવન સાથે છાંટા શરૂ થયા હતા તો અડધા કલાક બાદ નખત્રાણામાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. રામપર-રોહા, પિયોણી પંથકમાં સારા વરસાદના વાવડ છે તેવું પિયોણીના મહંત હંસગિરિજી તથા રામપરના ખેડૂત ઈશ્વરભાઈએ જણાવ્યું હતું. આ વરસાદથી નખત્રાણાની શેરીઓ, બજારોમાં જોશભેર પાણી વહ્યા હતાં. ખેડૂતો વાવણીનું કામ આટોપી લીધું છે. સત્તાવાર ચોમાસું બેસી જતાં તેમજ બે ત્રણ દિવસ ભારે વરસાદની આગાહીના પગલે સારો વરસાદ થાય નદી-નાળા-જળાશયો ઉભરાય, ડેમો-તળાવોમાં નવા નીર આવે એટલે ભયો ભયો. અગાઉના 112મિ.મી. વરસાદ સાથે આજનો વરસાદ -18મીમી. સાથે મોસમનો કુલ વરસાદ 130 મિ.મી. એટલે પાંચ ઈંચ જેટલો થવા અછતના ઓછાયા દૂર થયા છે  તેવું કન્ટ્રોલરૂમમાંથી રામજીભાઈ બડોલિયાએ જણાવ્યું હતું.  આર્દ્રા નક્ષત્રનો લાભ વિરાણી મોટીથી છગનભાઈ ઠક્કરના હેવાલ અનુસાર ચોમાસા માટે શુકનવંતા આર્દ્રા નક્ષત્રમાં આરંભે વરસાદ થયો અને નક્ષત્ર આવતીકાલે વિદાય લે તે પહેલાં આજે પણ વરસાદ થતાં જાણકારો સારા વરસાદ માટે આશાવાદી છે. આજે સાંજે મોટી વિરાણી, ટોડિયા, રસલિયા, ખોંભડી, નેત્રા, રામપર, બેરુ, મોસુણા, ગોડજીપર સહિતના ગામડાઓને અડધો-પોણો ઈંચની લહેર થઈ હતી. મથલ, ખાંભલામાં વરસાદનું જોર વધુ હોવાથી પાણી જોશભેર વહ્યા હતાં. વાવણી થઈ ગઈ હોવાથી મગફળી-કપાસનો ફાલ સારો ફાયદો પામશે, માકપટ સર્વત્ર વરસાદથી ભીંજાયું હતું. પશ્ચિમ દિશાએ મેઘવાદળીના સંકેતથી એક તો વધુ ઉત્સાહિત છે, રવિવાર રાત્રિથી પુનર્વસુ નક્ષત્રનો આરંભ થશે. નખત્રાણા તા.નાં માધાપર (મં) જિયાપર, મંગવાણા, પલીવાડ સહિતના ગામડાઓ પર અડધાથી એક ઈંચ વરસાદના વાવડ છે.  નલિયામાં પોણાથી એક ઈંચ દિવસ દરમ્યાન નલિયાથી સતીશ ઠક્કરે આપેલી વિગતો અનુસાર અસહ્ય બફારા પછી મોડી સાંજે ગાજવીજના ડરામણા કડાકા-ભડાકા સાથે અબડાસા તાલુકાના મુખ્ય મથક એવા નલિયામાં પોણાથી એક ઈંચ જેટલો વરસાદ થયો હતો. આ વરસાદના પગલે વીજપુરવઠો ખોરવાયો હતો. તેરા અને આસપાસના ગામોમાં પણ અડધા ઈંચ જેટલું પાણી વરસ્યાના વાવડ મળ્યા હતા. નરેડી (તા. અબડાસા) :?અબડાસા તાલુકાના નરેડી ગામે સાંજે પાંચ વાગ્યા પછી અઢી કલાકમાં બે તબક્કે વરસાદ પડતા બે ઇંચ જેટલું પાણી પડયું હતું. જેના કારણ ગામના તળાવમાં પણ આવ શરૂ થઇ હતી તેવું વિરૂ ગેરે જણાવ્યું હતું. કોઠારામાં ગાજવીજ :  મનોજ સોનીના જણાવ્યાનુસાર સાંજે 7 વાગ્યે કોઠારામાં એક ઇંચ પાણી જોશભેર વરસ્યું હતું. ગાજવીજ અને પવનના સૂસવાટાએ ભાચુંડા, બીટીયારી, રવા સહિતના ગામડાઓમાં પણ એક-એક ઇંચ પાણીનાં વાવડ છે, તાલુકાના વરાડીયા, આમરવાંઢ,ગઢવાડામાં પણ વરસાદે રસ્તા પરથી પાણી વહાવ્યા હતા, વીજ પુરવઠો કોઠારામાં પણ ઠપ થઇ ગયો હતો. દેવપર (ગઢ)થી રમેશ રોશિયાનાં હેવાલ અનુસાર સાંજે છ વાગ્યે ધોધમાર વરસાદ વરસ્યો. સતત બે દિવસના ઉકળાટ અને વરસાદી આ બાદ ગાજતે ગાજતે મેઘ?સવારી આવી પહોંચી હતી. ગામ નજીક આવેલ મહેશ્વરી સમાજના પચાણભાઇ ખજૂરીયા ભોઇયાએ પોતાની વાડીએ સાડા ચારસો ફૂટ જૂનો બોર ફેઇલ થતા તેમાં વરસાદી પાણી સંગ્રહ કરવા પાઇપથી જોડાણ કરેલ છે. આ જળ સંગ્રહ થતાં આખું વર્ષ નજીકના બોરમાં પાણી રહે છે. બન્નીમાં અર્ધો ઇંચ : ભુજ તાલુકાના બન્નીનાં મુખ્યમથક ભીરંડિયારા, રેલડી, મદન, વેકરિયાનું રણ, હોડકો, સાબુવાંઢ અને આસપાસનાં વાંઢ વિસ્તારમાં અર્ધાથી પોણો ઇંચ વરસાદને પગલે આનંદ છવાયો હોવાનું અલીમામદ જુમ્મા રાયશીએ જણાવ્યું હતું. વીજ પુરવઠો ચાર દિવસથી સદંતર ઠપ છે, પ્રવાસન ઉદ્યોગમાં તેજી આવતા ઠંડાપીણા-આઇક્રીમનાં ધંધાર્થીઓને આ ચાર દિવસમાં ભારે નુકસાની ભોગવવી પડે છે. ગઢશીશા પર મહેર : આજે સવારથી જ ગરમી અને ઉકળાટ બાદ સાંજે ગુરુ પૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ ગઢશીશા પર મેઘરાજાએ દોઢ ઇંચ જેટલું પાલર પાણી વરસાવતાં લોકો ગેલમાં આવી ગયા છે. પંથકનાં રાજપર, વિરાણી, ભેરૈયા, શેરડી, હમલા મંજલ, ગંગાપર ગામોમાં માત્ર નામ પૂરતી હાજરી હતી. રત્નાપર, મઉં, દુજાપર, વરઝડી, વડવા કાંયા વિગેરે ગામોમાં અંદાજિત દોઢ ઇંચ વરસાદ વરસતાં લોકોમાં ખુશી વ્યાપી હતી.પ્રથમ વરસાદ બાદ થયેલી કપિત વાવણી બાદ ખેડૂતોમાં ખુશી વ્યાપી છે. સીમ વિસ્તારમાં અબોલા જીવો માટે થયેલ ઘાસને પુન: જીવતદાન મળ્યું છે. રત્નાપરથી મહેન્દ્રભાઇ રામાણી, વિપુલ રામજિયાણી, મઉંથી બટુકસિંહ જાડેજા, રાજેશભાઇ વિઠ્ઠલદાસ ઠક્કર, વડવા કાંયાથી જગદીશ કેશવલાલ વાસાણી, દુજાપરથી નારાણભાઇ ચૌહાણ વિગેરે દ્વારા વરસાદ બાદ ખુશી વ્યક્ત કરાઈ હતી. ગઢશીશા વિસ્તારમાં થયેલ કપિત વાવણીને કાચા સોના સમાન વરસાદ ગામના કાર્યકારી સરપંચ રાજેશભાઇ ઉકાણીએ ગણાવ્યો છે. રાપરના ખેડૂતો ખુશ : વાગડ વિસ્તારમાં છેલ્લા બે દિવસથી સખ્ત ઉકળાટ ભર્યા વાતાવરણ બાદ સાંજે પાંચ વાગ્યાથી પવન સાથે વરસાદના ઝાપટાં પડયાં હતાં. શહેરમાં અંદાજે અડધા ઇંચ પાણી વરસતાં મુખ્ય માર્ગો પરથી પાણી વહી નીકળ્યા હતાં. રાપર ઉપરાંત સણવા ફતેહગઢ, કલ્યાણપર, સલારી નીલપર, આડેસર, માખેલ ભીમાસર સહિતના ગામોમાં જોરદાર ઝાપટા પડયા હતાં ગાજવીજ સાથેનાં વરસાદે વાગડ વિસ્તારમાં અડધાથી એક ઇંચ મહેર કરતાં ચોમાસુ પાકનું વાવેતર કરવામાં આવેલા મગ, કોરડ, બાજરી, કપાસ, મગફળી, જુવાર સહિતના પાકને ફાયદો થશે તેમ ખેડૂતોએ જણાવ્યું હતું.   

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer