નિરોણામાં ત્રણ સહિત કચ્છમાં વધુ છ પોઝિટિવ

નિરોણામાં ત્રણ સહિત કચ્છમાં વધુ છ પોઝિટિવ
ભુજ, તા. 4 : કોરોના સંક્રમણથી બચી ગયેલા નખત્રાણા તાલુકાને પણ હવે વાયરસે છોડયો નથી. દેશના અન્ય વિસ્તારોની જેમ કચ્છમાં પણ દરરોજ ચિંતાજનક સંખ્યામાં એકસામટા પોઝિટિવ કેસ આવતાં કચ્છ માટે એક મોટી ચિંતાનો વિષય છે. નખત્રાણા તાલુકાના નિરોણા ગામે ભાનુશાલી પરિવારના એકસાથે બે અને અન્ય એક મળીને એક ગામમાં ત્રણ દર્દી કોરોનાગ્રસ્ત હોવાનું સાબિત થતાં ગામમાં પણ દોડાદોડી જોવા મળી હતી, તો કચ્છમાં આજના દિવસે કુલ છ?નવા કેસ બહાર આવ્યા છે. આજના છ પોઝિટિવ દર્દીઓને કારણે કચ્છનો આંક 200ની નજીક પહોંચવા લાગ્યો છે. આંકડો 184 થઇ જતાં ખુદ તંત્ર પણ ધંધે લાગ્યું છે. નવાઇની વાત એ છે કે કોરોનાગ્રસ્ત દર્દીઓ સુધી કામે લાગેલા જિલ્લા પંચાયતના અધિકારીઓ સુધી મહામારીએ પગપેસારો કર્યો છે ત્યાં મુંબઇથી આવતા મહેમાનો પોતે તો પોઝિટિવ નીકળે છે સાથે જ્યાં રોકાય છે એ પરિવાર ભોગ બનતાં આ એક નવી ચિંતાનો વિષય છે. જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોષીએ આજે બહાર પાડેલી યાદીમાં નિરોણાના મુંબઇથી આવેલા માતા-પુત્ર બંને પોઝિટિવ આવ્યા છે. 53 વર્ષીય કસ્તૂરીબેન સંજય ગજરા અને તેમના પુત્ર પ્રિતેશ સંજય ગજરા (ઉ.વ. 24) બંને છેલ્લા ત્રણ મહિનાથી નિરોણામાં જ હતા પણ અઠવાડિયા પહેલાં મુંબઇ ગયા હતા ને પરત આવતાં તેમને બીમારીનો ચેપ લાગ્યો હતો. એવી જ રીતે નિરોણા ગામની જ મુંબઇથી આવેલી 22વર્ષીય યુવતી પ્રાર્થનાબેન ફુલિયાની તબિયત બગડતાં આજે તપાસ કરાવી તો કોરોના પોઝિટિવ આવ્યો હતો. સંક્રમિત દર્દીઓમાં રાપર અને અંજાર તાલુકાના ભલોટ ગામના બે યુવાનોનો સમાવેશ થાય છે. રાપર શહેરમાં આજે વધુ એક કેસ આવતાં કોરોનાની હેટ્રિક થઈ છે. રાપર તાલુકા આરોગ્ય અધિકારી ડો.પોલના જણાવ્યા પ્રમાણે અયોધ્યાપુરીમાં રહેતા 22 વર્ષીય મેહુલ પ્રવીણભાઈ ઠક્કરનો  રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમને તાવ શરદી સહિતના લક્ષણો જણાતાં ગઈકાલે સારવાર માટે આરોગ્ય કેન્દ્રમાં ગયા હતા. આરોગ્ય વિભાગ   દ્વારા  તેમને ગત રાત્રિના જ ભુજ જનરલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. ભુજ ખાતે કોરોનાનું સેમ્પલ લેવાયું હતું.  પરીક્ષણમાં યુવાન સંક્રમિત હોવાનું બહાર આવતાં શહેરની મધ્યમાં જ આવેલા અને ગીચ એવા અયોધ્યાપુરી વિસ્તારમાં ભારે ચકચાર પ્રસરી છે.  યુવાન ભુજમાં જ સારવાર તળે હોઈ તેની ટ્રાવેલ હિસ્ટ્રી અને સંપર્કમાં આવેલા લોકોની વિગતો મેળવાઈ રહી છે. ત્રણ દિવસ પૂર્વે જ રાપરના સેલારી  નાકામાં  હોસ્પિટલ ચલાવતા તબીબ  દેવેન્દ્રગિરિ ગોસ્વામી  સંક્રમિત થયા હતા. આ પૂર્વે ગત મે મહિનામાં  નગરના ગધેડીધાર વિસ્તારમાં પણ એક કેસ નોંધાયો હતો.  આજે અયોધ્યાપુરીનો  યુવાન સંક્રમિત થતાં નગરમાં કોરોનાએ હેટ્રિક મારી છે. ગીચ વિસ્તારમાં કેસ નોંધાતાં આરોગ્ય તંત્રમાં પણ ચિંતા પ્રસરી છે.  બીજી બાજુ અંજાર તાલુકાના ભલોટ ગામમાં રહેતા રામજી ખીમજી ગુજરિયા સંક્રમિત હોવાનું આજે બહાર આવ્યું છે. તેઓ ઓમાનથી આવ્યા હતા અને સ્થાનિકે  કોઈ પણ વ્યક્તિના સંપર્કમાં આવ્યા ન હોવાનું તાલુકા આરોગ્ય અધિકારી ડો. આર. એ. અંજારિયાએ જણાવ્યું હતું. તેઓ રાજકોટ ખાતે સંસ્થાકીય કવોરેન્ટાઈન હતા. ત્યાં કોઈના સંપર્કમાં આવ્યા છે કે નહીં તેની વિગતો મેળવવા રાજકોટ આરોગ્ય ખાતાને જાણ કરાઈ છે. રાજકોટ ખાતે  સાત દિવસ સંસ્થાકીય કવોરેન્ટાઈન થયા બાદ  ભલોટમાં  વાડી ખાતે  જ આઈસોલેટ રહેતા હતા. અહીં આવ્યાના બીજા દિવસે સેમ્પલ લેવાયું હતું. મુંદરા તાલુકાના પત્રી ગામે મુંબઈથી આવેલા અને ક્વોરેન્ટાઈન રહેલા અક્ષય દિનેશ ગોયલ (ઉ.વ. 22)નો કોરોના પોઝિટિવનો રિપોર્ટ આવતાં યાદવનગરની એક શેરી કન્ટેઈનમેન્ટ જાહેર કરી સીલ કરવામાં આવી હતી. તંત્રની યાદી મુજબ આજે એક સાથે સાત દર્દીઓએ મહામારીને મ્હાત આપી મુક્ત થતાં એક મોટી રાહત મળી હતી. આદિપુરની હોસ્પિટલમાંથી ત્રણ, મુંદરામાંથી બે અને ભુજની જનરલ હોસ્પિટલમાંથી બે મળી સાત દર્દીઓ સ્વસ્થ થતાં તાડીઓના ગડગડાટ સાથે ઘેર જવા દેવામાં આવ્યા હતા. તેમ છતાં આજના દિવસે આવેલા છ નવા કેસથી કોરોના દર્દીઓની એક્ટિવ સંખ્યા 63 છે. કુલ અત્યાર સુધી 112 જણને રજા અપાઈ છે. જો કે આઠ જણના મૃત્યુ નોંધાઈ ચૂક્યા છે.   

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer