કંડલામાં પાઈપલાઈન ગળતર થતાં ટનબંધ ખાદ્યતેલ જમીનમાં ઢોળાયું

કંડલામાં પાઈપલાઈન ગળતર થતાં ટનબંધ ખાદ્યતેલ જમીનમાં ઢોળાયું
ગાંધીધામ, તા. 4 : મહાબંદર દીનદયાળ (કંડલા) બાજુથી ખાનગી ટેન્કફાર્મ તરફ આવતી ખાદ્યતેલની એક પાઈપલાઈન લીક થઈ જતાં ટનબંધ કાચું તેલ જમીનમાં ઢોળાઈ ગયું હતું. મધરાત બાદ બનેલી આ ઘટના પ્રકાશમાં આવતાં દોડધામ થઈ પડી હતી.દીનદયાળ પોર્ટ ટ્રસ્ટના સત્તાવાર સૂત્રોમાંથી પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે ફ્રેન્ડસ ગ્રુપના ઓઈલ ટર્મિનલ એફ.ઓ.સી.ટી. તરફ કંડલાથી આવતી પાઈપલાઈનમાં ગઈરાતે કાચું તેલ વહન થઈ રહ્યું હતું. ત્યારે કંપનીની માલિકીની આ લાઈનના જોઈન્ટરમાંથી લીકેજ થયું હતું. લીકેજ થતાં ટનબંધ કાચું તેલ ઢોળાવા માંડયું હતું. કંપની તથા બંદર પ્રશાસનમાં દોડધામ થઈ પડી હતી. જમીનમાં ઢોળાયેલું તેલ દરિયામાં ન જાય અને પર્યાવરણને કોઈ હાનિ ન પહોંચાડે તે માટે તેના ઉપર માટી નાખી દઈને સ્થિતિ નિયંત્રણમાં લેવાઈ હતી. અત્રે નોંધવું જરૂરી છે કે બંદર આસપાસનાં અનેક ટેન્ક ફાર્મમાં અત્યંત જોખમી રસાયણો, જ્વલનશીલ પ્રવાહીનો મોટી માત્રામાં સંગ્રહ થાય છે. મહાબંદરથી ઓઈલ જેટી ઉપરથી પ્રવાહી કાર્ગેને જહાજોમાંથી સીધો આ ટેંક ફાર્મમાં લાવવા પાઈપલાઈનોનું વિશાળ ઝાળું બીછાવાયેલું છે. કોઈ નાનકડી ગફલત આખા ક્ષેત્રને માથે જોખમ ઊભું કરી શકે છે. ગઈરાતની આ લીકેજની ઘટનામાં પણ 40 ટન જેટલું તેલ આસપાસ પ્રસરી ગયું હતું. જો તેમાં ભડકો થયો હોત તો અકલ્પ્ય નુકસાન થાત તેવું ચર્ચાઈ રહ્યું છે.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer