કચ્છી મેવો ખારેકને કોરોનાના સંજોગો નડશે

મોટી વિરાણી (તા. નખત્રાણા), તા. 4 : ચાલુ વરસે ખેડૂતો ઉપર બેઠેલી માઠી દશાની વણજારથી ખેતપેદાશોના માલમાં વ્યાપક મંદી પછી બાગાયતી પાકો જેવા કે કેરી, દાડમ, પપૈયા વિવિધ ફળાના ભાવોમાં મંદીથી ન્હાઈ બેઠેલા ધરતીપુત્રોને ફરી ખારેકના તૈયાર પાકની?નિકાસનો અભાવ અને ભાવમાં મંદીના કારણે આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ વિસ્તારના ખેડૂત અગ્રણી ભરતભાઈ જીવરાજ સોમજિયાણી તેમજ?વિરાણી મોટીના કિસાન સંઘના પૂર્વ પ્રમુખ પ્રવીણભાઈ મુખીના જણાવ્યા અનુસાર વિશ્વવ્યાપી કોરોના મહામારીની સમસ્યાના કારણે ગત શિયાળુ પાક પેદાશની જણસીઓના ભાવોમાં મંદીના કારણે નુકસાની સહન કરવી પડી છે, જ્યારે નખત્રાણા પંથકના જમીનના પેટાળમાં ઊંડા ઊતરી ગયેલા પાણીથી ક્ષારજનક પાણીનાં કારણે ખેડૂતો બાગાયતી ખેતી જેવા કે, દાડમ, પપૈયા, ખારેક જેવા ફળોના મોટા પાયે બગીચા ઊભા કર્યા છે ત્યારે દાડમ, પપૈયા પછી છેલ્લે કેરીના પાકના ભાવમાં મંદી અને વર્તમાન કચ્છી મેવો ખારેકનો પાક પણ તૈયાર થયો છે, ત્યારે માલની નિકાસ ન હોવાના કારણે નીચા ભાવે માલ વેચવું પડે છે, જેથી ખેડૂતોની આવક -ર્ચનો બજેટ ખોરવાતાં આર્થિક ચિંતા સર્જી છે. અગ્રણીઓનાં જણાવ્યા અનુસાર આ પંથકમાં ઈઝરાયલની બારાહી તેમજ દેશી ઊંચી જાતની ખારેક તૈયાર થઈ છે, જેનો ગત વરસે હોલસેલ ભાવ કિ.1ના રૂા. 60થી 70 ઉપજતા હતા પણ ચાલુ મોસમમાં રેલવે વ્યવહાર બંધ પડવાના કારણે હૈદરાબાદ, મદ્રાસ, મુંબઈ, બેંગ્લોર સહિત આંતરરાજ્યોમાં માલ નિકાસ થતો ન હોઈ વર્તમાન ભાવ રૂા. 20થી 50 કિલોના ઉપજતાં મંદીના મારથી ખેડૂતોની ચિંતા વધી છે, તો ટ્રાન્સપોર્ટનું ભાડું 1 કિલોદીઠ 30 લાગતું હોવાથી તેમજ રેલવેનું ભાડું માત્ર રૂા. 10 લાગતું હતું. નિકાસી માલ ઊંચા ભાવે પડતરના કારણે નિકાસ મંદ થઈ ગઈ છે.