અંધકારમાં જીવતા અનેક શિષ્યોનાં સુરીલાં સપનાં સાકાર કરનારા `ગુરુવર્ય''

અંધકારમાં જીવતા અનેક શિષ્યોનાં સુરીલાં સપનાં સાકાર કરનારા `ગુરુવર્ય''
નિમિષ વોરા દ્વારા  ભુજ, તા. 4 : શાત્રોમાં `ગુરુ'નો અર્થ અંધકાર દૂર કરીને ઉજાશની તરફ?લઇ જનાર માર્ગદર્શક. આ વ્યાખ્યાને એક એકદમ બંધ બેસતા `ગુરુ' વિશે ઘણા લોકો અજાણ હશે કે જેમણે જીવનભર અંધકારમાં રહીને સેંકડો શિષ્યો માટે પ્રકાશરૂપી કેડી બનાવીને મંજિલ સુધી પહોંચાડયા.મૈંને તેરે લિયે હી સાત રંગ કે સપને ચુને... સપને સુરીલે સપને... પંક્તિને અનુરૂપ જીવન સંદેશ ધરાવતા પ્રજ્ઞાચક્ષુ બુઝુર્ગ સંગીત શિક્ષક `ગઢવીસાહેબ' એટલે કચ્છના સંગીત ક્ષેત્રે એક આદરભર્યું નામ.મૂળ નખત્રાણા તાલુકાના મોરઝર ગામના 83 વર્ષીય લખધીરજીભાઇ ગઢવી કચ્છ જ નહીં, પરંતુ કદાચ ગુજરાતની શાળામાં સંગીત વિષયના `ગુરુ દ્રોણ' કહી શકાય. સેંકડો વિદ્યાર્થીઓને સૂરમાં ગાવાનું કે હાર્મોનિયમ પર આંગળી નચાવતા શીખવનારા `ગઢવીસાહેબ'ની સુરીલી સફર દિલચશ્પ અને કરુણ પણ છે. ભુજમાં મુંદરા રોડ પર આવેલી મા આશાપુરા સ્કૂલની પાછળની કોલોનીમાં તેમના નિવાસસ્થાને લીધેલી રૂબરૂ મુલાકાત દરમ્યાન લાંબી બીમારીના કારણે કૃશકાય દશામાં બિછાને સૂતેલા `ગુરુજી' સાથે વાતચીતનો દોર સાધતાં જ કાળાં ચશ્માં પાછળના ચક્ષુઓમાં જાણે ચમકારો આવ્યો હોય તેમ એક પછી એક જીવનનાં પૃષ્ઠ ખોલવા શરૂ કર્યા હતા. ભુજ તાલુકાના દેશલપર વાંઢાય ખાતે આવેલી સરકારી અંધશાળામાં ધો. 1થી 7નું શિક્ષણ લીધું. ધો. 8નો અભ્યાસ અંજારમાં ડી.વી. હાઇસ્કૂલમાં શરૂ?કર્યો. ત્યાં એસ.એસ.સી. પાસ કરી. દરમ્યાન, પિતાજીનું નિધન થતાં બે નાના ભાઇ અને પરિવારની જવાબદારી આવી પડી, પરંતુ ઘર ચલાવવું કેમ ? નેત્રહીનને કોણ નોકરી આપે ? તેમને સંગીત આવડતું હતું. નોકરી માટે ફાંફાં માર્યા, પરંતુ સર્વત્ર જાકારો સાંપડયો. અત્યંત માનસિક ત્રાસ વચ્ચે મનમાં ગાંઠ વાળી કે હવે તો દિલ્હી જઇને જ રજૂઆત કરું અથવા જીવન સંકેલી લઉં તેવા વિચાર તેમને આવવા લાગ્યા. 1956માં હામ હાર્યા વિના પ્રયાસ શરૂ કર્યા. એક તો પ્રજ્ઞાચક્ષુ તેમાં નાણાભીડ, કોઇ મિત્ર પાસે ઉછીના રૂપિયા લઇને ટ્રેનની ટિકિટ કઢાવીને એકલા જ દિલ્હી નીકળ્યા. આજે 18 વર્ષનો સાજો-સારો છોકરો અમદાવાદ એકલો પ્રથમ વખત જાય તો પણ માવિત્રો ચિંતા કરે, પણ અહીં તો નવું મહાનગર અને તેમાંયે દૃષ્ટિહીન. ન કોઇ સગુંવહાલું કે સાથે પરિચિત, પણ હારે તો `ગઢવીસાહેબ' શેના ? ચાર દિવસે દિલ્હી પહોંચ્યા તે પૂર્વે તેમણે વડાપ્રધાન પંડિત નેહરુજીની સાથે પત્રવ્યવહાર કર્યો હતો. ત્યાં પહોંચતાં સમાચાર મળ્યા કે, પંડિત નેહરુજી લંડન ગયા છે. હતાશ થયા વિના  એ.આઇ.સી.સી.માં નેહરુના પી.એ. શ્રીમન નારાયણને  મળ્યા. તેમણે શ્રી ગઢવીની વિતક સાંભળીને દિલ્હીમાં નોકરીની ટ્રાય કરી. ત્યાં મળે તેમ હતી, પરંતુ પોતે કચ્છમાં જ નોકરીની ઇચ્છા દર્શાવી. તેના પગલે કોંગ્રેસ કમિટીએ ગુજરાતમાં  ઉછંગભાઇ ઢેબર પર પત્ર લખી આપ્યો. તેના આધારે ઢેબરભાઇએ સી. સ્ટેટ કચ્છના સેક્રેટરી?શ્રી ખાબડે પર ભલામણ પત્ર લખ્યો. તે વખતે  1956માં અંજારનો ભૂકંપ આવ્યો. અહીંથી જીવનનો વળાંક આવ્યો. શ્રી ગઢવી કહે છે કે, જ્યાં હું વિદ્યાર્થી હતો તે જ ડીવીમાં મને નોકરી મળી. પહેલે જ દિવસે હાજર થતાં જ તંબુમાં ઉતારો મળ્યો. ડી.વી.માં સંગીત શિક્ષક એવા વિદ્વાન સંગીતકાર પંડિત કલ્યાણરાય મેઘનાનીજીની બદલી થતાં તેની જગ્યાએ ચાર્જ લીધો. 1956થી 61 સંગીતના  પિરીયડ?લીધા, પરંતુ શરૂઆતમાં પ્રજ્ઞાચક્ષુ હોવાના લીધે મજાક, મશ્કરી અને વિદ્યાર્થીઓ કોમેન્ટ કરતા પણ તે સાંભળવાની લાચારી હતી. હાઇસ્કૂલના આચાર્ય દિનકરરાયભાઇ વોરાનો સહયોગ મળતો રહ્યો. 61માં ભુજમાં બદલી કરાવીને લાલનમાં અભ્યાસ શરૂ કર્યો. 1964માં બી.એ. પાસ થયા. દરમ્યાન અધ્યયન મંદિરમાં જોડાયાં હતાં. 1965થી ઘેર સંગીતના ટયૂશન ચાલુ કર્યા જેમાં ભુજના ખ્યાતનામ સંગીત શિક્ષક ચતુરસિંહ જાડેજા પણ તેમના શિષ્ય બન્યા. 1975માં લગ્ન થતાં ઠરીઠામ થયા. સંગીત વિશે તેમણે વધુ વાત કરતાં કહ્યું હતું કે, પોતે બૃહદ ગુજરાત સંગીત સંસ્થા સાથે જોડાયા. અમુભાઇ દોશી રાજકોટ પાસે તાલીમ લઇ વિશારદ થયા તો અબ્દુલ્લાભાઇ ધાફરાની પાસે પણ શીખ્યા. ઉપરાંત લાલુભાઇ અંજારિયા, શવજીભાઇ પટેલ, રસિકભાઇ અંજારિયા સાથે સંગત કરી, માંડવીના ચીમનભાઇ પટેલ અને માધાપરના લક્ષ્મીદાસભાઇ સોની પણ તાલીમ લેતા હતા.જે વખતે પ્રજ્ઞાચક્ષુઓ સંગીત શીખતા હતા ત્યારે શ્રી ગઢવીને વિચાર આવ્યો કે, સંગીત શીખીને છાત્રો કરશે શું ? એટલે તેમણે તે વખતે શિક્ષણાધિકારી જુગતરામભાઇ રાવળ પાસે રજૂઆત કરીને અંધજનોને રોજગારી મળવી જોઇએ. તેમાં વાણિયાવાડ શાળામાં એકને શિક્ષક તરીકે નીમ્યા તે સામે વાંધો ઉઠયો. આ સાથે જ તેમણે અમદાવાદ મ્યુ. શાળા અને મુંબઇની જેમ સંગીત શિક્ષકો તરીકે પ્રજ્ઞાચક્ષુઓને નોકરી મળે તેવો ઠરાવ ઉચ્ચકક્ષાએ કરાવ્યો. શ્રી ગઢવીની આ મહેનત રંગ લાવી. 1973માં ચતુરસિંહ જાડેજા સહિત 7 શિક્ષકો નોકરી પર લેવાયા, જે ગુજરાતની પ્રથમ ઘટના હતી. ત્યારબાદ અન્ય જિલ્લામાં ઠરાવ થયા. 2008 સુધી ભરતી થતી રહી. ત્યાર પછી અમાન્ય મંડળો દ્વારા નકલી સર્ટિ. 1-1 લાખમાં વેચાતા હોવાનું બહાર આવતાં ભરતી બંધ?થઇ ગઇ તેવું અફસોસ સાથે જણાવ્યું હતું. તેમના પ્રિય રાગો વિશે પૂછતાં આ સંગીતજ્ઞએ જણાવ્યું હતું કે, ગોરસ, કલ્યાણ, અભોગી, માલકૌંસ, યમન પ્રિય રાગ છે, ગઝલગાયકોમાં ગુલામઅલી, જગજિતસિંહ ફેવરિટ છે. પોતાના જાણીતા શિષ્યોને યાદ કરતાં કહે છે, મંજુલાબેન જોશી અંજારિયા, ચેતના અંતાણી, જેન્તીભાઇ વ્યાસ વાયોલીનવાદક, હિરેન દવે છે જેમણે ગાયકી, કોરસમાં રાજ્ય કક્ષાએ નામ કાઢયું હતું. 10 વર્ષની વયે શીતળાના રોગમાં આંખો ગુમાવનારા શ્રી એલ. એન. ગઢવીએ 1947માં દેશ આઝાદ થયો. પોતે આંખ ગુમાવી. અત્યારે કારર્વાં રેડિયો તેમનો સાથી બની રહ્યો છે. આજે આ `ગુરુ'ના અનેક શિષ્યો ગર્વભેર રોજી મેળવીને ઠરીઠામ થયા છે તેનો તેમને આનંદ છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer