મનરેગા હેઠળ ઘાસ વાવેતરની યોજના

મનરેગા હેઠળ ઘાસ વાવેતરની યોજના
ઉંમર ખત્રી દ્વારા-  મોટી વિરાણી (તા. નખત્રાણા), તા. 4 : દુષ્કાળ વખતે ઘાસની કાયમ છત રહે તે માટે અંગીયા મોટા ગામના સરપંચ ઇકબાલ ઘાંચીએ પોતાની કોઠાસૂઝથી થોડા મહિનાઓ પહેલા નેપિયર ઘાસ ઉગાડવાના પ્લાન બનાવ્યા પોતાના ગામમાં ગટરના વેસ્ટ પાણીને નેપિયર ઘાસના પ્લોટોમાં વાળીને ઘાસ ઉગાડવાની પદ્ધતિ સાક્ષાર કરી પરિણામ સ્વરૂપે 7થી 8 ફૂટ ઉંચું ઘાસ એ પ્લોટોમાં લહેરાયું અને ગામના પશુપાલકોને 1 રૂા. કિલો ઘાસ ઘર બેઠે મળે છે.આ નેપિયર ઘાસ પ્લાનની મુલાકાતે ડી.ડી.ઓ. પ્રભવ જોશી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક મેહુલ જોશી, નખત્રાણા તાલુકા વિકાસ અધિકારી વિનોદ જોશી વગેરે મોટા અંગિયા વિઝિટ કરી ગયા અને નેપિયર ઘાસના પ્લાનને નરેગા યોજનામાં સમાવવા વિચાર કર્યો હતો. સમય જતાં આ પ્લાનને નરેગા યોજનામાં સામેલ કરવામાં આવ્યો અને કચ્છના 21 ગામોને વહીવટી મંજૂરી પણ મળી હતી. ડી.ડી.ઓ. શ્રી જોશીએ કહ્યું હતું કે, ગટરના વેસ્ટ પાણી તેમજ અન્ય પાણીના સ્રોતો પાસેના પ્લોટોમાં આ નેપિયર ઘાસ ઉગાડવાના પ્રથમ પ્રયોગ રૂપે કચ્છના 21 ગામોમાં નરેગા યોજના તળે આવરી લેવામાં આવ્યા છે. વધુ માહિતી આપતા મનરેગાના અધિકારી ઇન્દ્રજિત ગોસ્વામીએ કહ્યું હતું કે, જે 21 ગામોમાં આ નેપિયર ઘાસનું વાવેતર મનરેગા યોજના તળે કરવાનું છે તે ને વહીવટી મંજૂરી પણ મળી ગઇ છે. કચ્છના અબડાસા તા.ના કંઢાય, અંજાર તાલુકાના ભીમાસર, સંઘડ, ભુજ તાલુકાના ઝિંકડી-કુનરિયા, ગાંધીધામના અંતરજાળ, લખપત તાલુકાના ધારેશી, માંડવીના મસ્કા, બિદડા, મુંદરાના બોચા કુકડસર, નખત્રાણા તા.ના મોટા અંગિયા, રોહા સુમરી, રાપર તા.ના સુવઇ, સોનલવા, મોટી રવ, થોરિયારી વગેરે ગામોમાં ટોટલ 114 એકરમાં આ નેપિયર ઘાસ ઉગાડવાનું આયોજન છે. જેમાં ભીમાસર, કુનરિયા, ઝિંકડી, અંગિયા મોટા, રોહા સુમરી અને બોચા ગામોમાં તો વાવેતરના શ્રીગણેશ પણ થઇ ગયા છે. નરેગાના આ નવા રોજગારીના પ્રયાસ કામ અંતર્ગત ગામના જ શ્રમીકોને ઘાસ પ્લોટમાં વાવેતર કરવાથી રોજગારી મળશે. નખત્રાણા તાલુકા પંચાયતના પ્રમુખ નયનાબેન પટેલ, જયસુખ પટેલ, વસંતભાઇ વાઘેલા, દિલીપગાઇ નરસિંગાણી, સામતભાઇ મહેશ્વરી, મંગળાબેન પાચાણી, તલાટી વિરલબેન ભટ્ટ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer