`પાંજો કચ્છ''ના નામે ઓનલાઈન પ્રશ્નોત્તરી સ્પર્ધા યોજાઈ

ભુજ, તા. 4 : જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ભુજ દ્વારા કચ્છી નવા વર્ષ-આષાઢી બીજ ઉજવણી નિમિત્તે ઓનલાઈન પ્રશ્નોત્તરી સ્પર્ધા `પાંજો કચ્છ' યોજાઈ હતી. જેમાં વિવિધ વર્ગની 466 વ્યક્તિએ ભાગ લીધો હતો. 50 ટકાથી વધુ ગુણ મેળવનારા પ્રતિભાગીને ડાયેટ-ભુજ તરફથી પ્રમાણપત્ર ઓનલાઈન એનાયત થયા હતા. લોકપ્રિય થનારી ઓનલાઈન પ્રશ્નોત્તરીનો પ્રારંભ જીસીઈઆરટી, ગાંધીનગરના નિયામક ડો. ટી. એસ. જોશી અને રીડર શ્રી સરડવાએ કરાવ્યો હતો. જિલ્લા પ્રા. શિક્ષણાધિકારી સંજયભાઈ પરમાર અને ડાયેટના વ્યાખ્યાતાઓ ઉપસ્થિત રહ્યા હતા. કચ્છ વિશેના વિવિધ ક્ષેત્રના 25 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આ પ્રશ્નોનો જિલ્લાના વરિષ્ઠ ધારાશાત્રી, શિક્ષણ ક્ષેત્રના અધિકારીઓ, પત્રકારો, લેખકો, શિક્ષકો, કોલેજના વિદ્યાર્થીઓએ ઓનલાઈન જવાબ આપ્યા હતા. ઉત્તર આપવા સાથે જ તેમને ખરા-ખોટા જવાબોની જાણ કરાઈ હતી અને 50 ટકાથી વધુ સાચા જવાબ આપનારને બીજી જ મિનિટે ઓનલાઈન પ્રમાણપત્ર ઈમેઈલથી મોકલી દેવાયું હતું. આ નવતર કચ્છ ક્વિઝની રચના ડાયેટના વ્યાખ્યાતા સંજય ઠાકરે કરી હતી અને તકનિકી સહયોગ ડો. રક્ષાબેન ઉપાધ્યાયે આપ્યો હતો એવું પ્રાચાર્ય હસમુખ ગોરે જણાવ્યું હતું.