ખાવડા માટે માત્ર બે જ બસ અપૂરતી

ખાવડા માટે માત્ર બે જ બસ અપૂરતી
સુમરાપોર (તા. ભુજ), તા. 4 : લોકડાઉનની મુશ્કેલીઓ બાદ છેલ્લા પાંચેક દિવસથી ખાવડા પૂરતી જ 30 પેસેન્જરની મર્યાદામાં રોજની બે એસ.ટી. સેવા ચાલુ થઇ છે તે લોકો માટે આશીર્વાદરૂપ છે, પરંતુ આટલા વિશાળ પંથક માટે તે અપૂરતી છે. આથી વધુ બે બસ તેમજ ભુજ-કુરન અને ધ્રોબાણા કંડલા ગાંધીધામ ભુજ પણ શરૂ કરાય એવી અંતરિયાળ વિસ્તારના લોકોની માંગ  છે. પચ્છમ -પાસી -બન્ની પાંચાડાનાં કેટલાં બધાં ગામડાંઓ અને વાંઢો આવેલી છે. ભુજ એ લોકોનાં જીવન જરૂરિયાત તેમજ દવા માટે એકમાત્ર જ મુખ્ય મથક છે. પરંતુ ખાવડામાં દિવસ દરમિયાન માત્ર ને માત્ર બે જ એસ.ટી. બસ સેવા ચાલુ કરવામાં આવી છે. 30 મર્યાદિત પેસેન્જરો માટે આ બસ વહેલા તે પહેલા ચડી જાય તો ઠીક છે, પણ વૃદ્ધો અને બીમાર લોકો માટે આ બસમાં ચડવાની કસરત થતી નથી. જેથી આવા જરૂરતમંદ દર્દીઓ અને વૃદ્ધો રહી જાય છે અને ભુજ પહોંચી જાય તો પાછા ખાવડા આવવું પણ મુશ્કેલ બની જાય છે. નાછૂટકે ત્યાં જ ભુજમાં ફૂટપાથ પર રાત્રિ ગુજારવી પડે છે અને બીજા દિવસે છેક ખાવડા પહોંચે છે, આમાં ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે છે. એસ.ટી. માટે નાના બાળકો, વૃદ્ધો, કલાકો પહેલાં રાહ જોઇને થાકી જાય છે. જગ્યા મળી તો ઠીક નહીં તો બીમાર લોકોને નાછૂટકે નિરાશ થઇ પાછા ઘરે જવું પડે છે. કમનસીબી છે કે ખાનગી ટ્રાવેલ્સો ચાલુ થઇ હતી અને લોકોને થોડીઘણી રાહત મળી હતી પણ આ ખાનગી વાહનો પણ બંધ થઇ ગયાં છે તેની પણ મુશ્કેલી છે. ખાવડા માટે બે બસ નહીં પણ ચાર એસ.ટી. બસ ચાલુ કરાય અને ભુજ-કુરન તેમજ ધ્રોબાણા, કંડલા, ગાંધીધામ, ભુજ પણ શરૂ કરાય એવી રહેવાસીઓની માંગ બુલંદ બની છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer