15000 કિ.મી. પાર કરતું ચોવીસીનું સાઇકલ જૂથ

15000 કિ.મી. પાર કરતું ચોવીસીનું સાઇકલ જૂથ
વસંત પટેલ દ્વારા-  કેરા (તા. ભુજ), તા. 4 : જગતના શ્રીમંત દેશો ડેન્માર્ક, સ્વીડન, નોર્વે, હોલેન્ડ, ઇટાલી, ફ્રાન્સ, જર્મનીમાં સાઇકલ સૌથી વધુ વપરાતું પરિવહન સાધન છે. જ્યારે આપણે સાઇકલને ભુલાવી ચૂક્યા છીએ. હવે તો બ્લેક એન્ડ વ્હાઇટ હિન્દી ફિલ્મ સિવાય કચકડે પણ સાઇકલ દેખાતી નથી. આવી સ્થિતિમાં તાલુકાની પટેલ ચોવીસીનું જૂથે 15000 કિ.મી. સાઇકલ ચલાવી સ્વાસ્થ્યનો સંદેશો આપ્યો છે. 2015માં કેરાના યુવાન તબીબ ડો. દિનેશ પાંચાણીએ સાઇકલ ચલાવવાનું શરૂ કર્યું, બાદમાં યુવાનો જોડાયા, 2017માં 3159 કિ.મી, 2018માં 4872, 2019માં 5041 અને 2020માં 1951 કિ.મી. મળી કુલ 15023 કિ.મી. સાઇકલ ત્રણ વર્ષમાં ચલાવી છે. અગાઉ દર રવિવારે 90થી 100 કિ.મી. પેંડલ મારતી આ અમર જવાન સાઇકલ સેના કોરાના કાળમાં હવે દરરોજ 20થી 30 કિ.મી. નીકળે છે. દરરોજ નવો રૂટ હોય છે, જે કપ્તાન દિનેશ પાંચાણી નક્કી કરે, વોટ્સએપથી સમય -રૂટ આવી જાય, વેહેલી સવારે પાંચ અને 10 મિનિટે લાઇટો ઝબકી ઊઠે, કાંરવા આગળ વધે. આ જૂથે કચ્છનું કોઇ પ્રાકૃતિક-ધાર્મિક સ્થળ બાકી રાખ્યું નથી. કચ્છમિત્ર સાથે વાત  કરતા કેપ્ટન શ્રી પાંચાણી કહે છે, કચ્છમાં ડુગરો પર પ્રાકૃતિક સૌંદર્ય છે. વહેલી સવારે ત્યાં પહોંચવું લ્હાવો છે. જૂના ટપકા, કુકમા - આશાપુરા, નનામો ડુંગર, વીજપાસર - આવડમા, કરોડિયા -ભીમનાથ, પુંઅરેશ્વર, વડીમેડી, ભુવડેશ્વર- મોખા ચોકડી, કલ્યાણેશ્વર- રોહા, લુણગ દેવ- ગણેશ મંદિર, મતિયાદેવ- જેસલતોરલ, પંજપુરખદેવ, મિયાં મહાદેવ -મોટાભાડિયા, ધ્રંગ, સૂર્યમંદિર- કોટાય, બુખારી - મુંદરા, રામદેવ ટેકરી -હબાય, વાઘેશ્વરી વગેરે વગેરે અનેક સ્થળે સાઇકલ યાત્રા થઇ છે. વચનામૃત જયંતી 650 કિ.મી., મૂળી રંગોત્સવ 273, ભેડિયાબેટ બબ્બે વખત જનારું આ પ્રથમ જૂથ છે. માતાનામઢ ચાર વખત, ધીણોધર ટ્રેકિંગ, કોટેશ્વર, નારાયણસરોવર, બી.એસ.એફ. સાથે મળી સુવિધા કરી આપી હતી. પિયોણી, ફોટ મહાદેવ, પુરાતત્ત્વ, ઐતિહાસિક, ધાર્મિક અને સામાજિક જગ્યાઓએ જઇ સોશિયલ મીડિયાના માધ્યમે દેશ-વિદેશમાં ફોટો સંદેશ પ્રસારિત થતાં જગ્યાઓનો પ્રચાર પણ થયો છે. આ જૂથનો નાનો સભ્ય આઠ વર્ષનો જ્યારે મોટો 65 વર્ષનો છે. ચોવીસીના ગામોનું આ જૂથ હવે લેહ-લદ્દાખ જઇ સૌનિકોનો હોંસલો વધારવા માગે છે જેની તૈયારીઓ થઇ રહી છે. વહેલી સવારે જે ગામમાંથી આ જૂથ પસાર થાય છે, લોકો આનંદભેર આવકારે છે. સાઇકલ યુગની ચર્ચાઓ થાય છે. લોકોને અવ્યવહારુ લાગતું આ જટિલયંત્ર એક સમયે ગ્રામ્ય જીવનનું સ્ટેટ્સ હતું. લાકડાં, દૂધ, વસ્તુની ફેરી સાઇલક દ્વારા થતી. આરોગ્ય માટે લાભકારક આ સાધન ચલાવનારને આજે પણ ડાયાબિટીસની ગોળી નથી ખાવી પડતી તે હકીકત હોવાનું આ જૂથના સભ્યો કહે છે. આ જૂથ ત્રણ ત્રણ વર્ષ ટક્યું છે તેનો યશ સાઇકલ સેનાના સ્થાપક ડો. દિનેશ પાંચાણીને છે કે ક્યારેક સંજોગોવસાત ઓછા સભ્ય હોય કે પોતે એકલા હોય તો પણ પેંડલ માર્યા વગરનો એક          પણ ખાંચો પડવા દીધો નથી. સૌને સાચવે, સંભાળે અને ટકાવે... 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer