રોહા-સુમરીમાં ફરી ત્રણ રાષ્ટ્રીય પક્ષીનાં મોત

રોહા-સુમરીમાં ફરી ત્રણ રાષ્ટ્રીય પક્ષીનાં મોત
ગઢશીશા (તા. માંડવી), તા. 4 : નખત્રાણા તાલુકાના એક સમયના જાજરમાન રોહા જાગીર તરીકે ઓળખાતા રોહા-સુમરી ખાતે જ્યારથી પવનચક્કીના વીજ થાંભલા તથા વીજરેષા આવ્યા ત્યારથી છેલ્લા કેટલાક દિવસોથી રાષ્ટ્રીય પક્ષી મોરના મોત માટે પંકાઈ છે અને શુક્રવારનો દિવસ ફરી મોર તથા પક્ષીપ્રેમી માટે અરેરાટી ફેલાવતો ઊગ્યો હતો. સત્તાવાર મળતી માહિતી મુજબ અહીં એક ઢેલના મૃતદેહ પવનચક્કી અધારિત વીજપોલ પર, બીજો મૃતદેહ જમીન પર અને ત્રીજા મોરનું શરીર ન મળ્યું, પરંતુ તેના પીંછા જમીનમાં દાટેલા જોવા મળ્યા હતા. શનિવાર સવારના આ બનાવની નખત્રાણા વન વિભાગને જાણ કરાતાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર દીપકભાઇ ચૌધરી સાથે વનપાલ ટીમ એન. એચ. મકવાણા (મંગવાણા), બી.એમ. મહેશ્વરી (નિરોણા), એ. એસ. મકવાણા (દેવીસર) તથા વનરક્ષકો જય એસ. વ્યાસ (નખત્રાણા), એસ. કે. ગઢવી, એચ. એસ. ચૂડાસમા, મનસુખ ખુખાણિયા સાથેની ટીમે રોહા (સુમરી) ઘટનાસ્થળે પહોંચી છાનબીન હાથ ધરી છે અને સાંજે બે પક્ષીના મૃતદેહ નખત્રાણા ખાતે લઇ જઇ પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરી છે અને મોરનાં મોતનું સત્તાવાર તારણ જાણી નથી શકાયું પરંતુ પ્રાથમિક તારણ વીજશોકથી મોત થયાનું જાણવા મળ્યું છે. રોહા ઠાકોર પુષ્પેન્દ્રસિંહજી, ચન્દ્રસિંહ વાઢેર, તલાટી નીતાબેન ભીડે, નરેશભાઇ મહેશ્વરી, મોહનભાઇ ચાવડા, અનવર સમેજા વિગેરે ગ્રામજનો તથા અગ્રણીઓએ મોરનાં મોત બદલ દુ:ખ વ્યક્ત કર્યું છે અને ઘટનાસ્થળે હાજર રહ્યા હતા. અત્રે ખાસ શંકાપ્રેરિત સવાલ એ છે કે, જો કલેકટરે અમુક વિસ્તારમાં વીજપોલ-વીજરેષા નાખવા મનાઇ કરી છે તો કંપનીને એન.ઓ.સી. આપી કોણે...? આ તમામ પ્રશ્નોના નિરાકરણ અતિ જરૂરી છે નહિતર મોરની સંખ્યામાં ચિંતાજનક ઘટાડો થશે સાથે ભવિષ્યમાં અન્ય જાનહાનિનો પણ ભય છે. મોરની શિકારી પ્રવૃત્તિ તો નથી તે જાણવું પણ અતિ જરૂરી છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer