જિલ્લા બહારના અધિકારીઓની આવન-જાવન થકી અન્ય કચેરીઓમાંયે વ્યાપ્યો ફફડાટ

જિલ્લા બહારના અધિકારીઓની આવન-જાવન થકી અન્ય કચેરીઓમાંયે વ્યાપ્યો ફફડાટ
ભુજ, તા. 4 : ગઇકાલે નાયબ જિલ્લા વિકાસ અધિકારી અને આજે હિસાબી શાખાના ઇન્ટર્નલ ઓડિટરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ રજાઓ દરમ્યાન તથા સરકારી કામોના નામે જિલ્લા બહારના અધિકારીઓની વતનમાં થતી આવન-જાવનથી અન્ય કચેરીઓમાં પણ ફફડાટ ફેલાયો છે અને ખૂલતી કચેરીએ ઓફિસમાં ગોઠવાઇ જતા `સાહેબો' સામે વિરોધ કોણ નોંધાવે તેવો ગણગણાટ કર્મચારીઓમાં સાંભળવા મળી રહ્યો છે. કચ્છમાંયે દિવસોદિવસ કોરોના મહામારી સકંજો વધારી રહી છે અને ગઇકાલે જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી ગૌરાંગ પ્રજાપતિ બાદ શનિવારે આ જ સંકુલમાં આવેલી હિસાબી શાખાના પાલનપુરના રહેવાસી ઇન્ટર્નલ ઓડિટર શબ્બીર કુગસિયાનો તેના વતન ખાતે કોરોના પોઝિટિવ આવતાં જિલ્લા પંચાયત સંકુલમાં તો સન્નાટો છવાઇ ગયો છે. શ્રી કુગસિયાને તાવ-શરદીના લક્ષણ જણાતાં તે પોતાના વતન પાલનપુર ચાલ્યા ગયા હતા જ્યાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમજ આ કોરોનાના વધતા જતા કહેર વચ્ચે અન્ય રેડઝોન જેવા વિસ્તારમાં આવ-જા કરતા અધિકારીઓ-કર્મચારીઓથી સ્થાનિક કર્મચારીઓમાં પણ સંક્રમણ ફેલાવાનો ભય સતાવી રહ્યો છે. કર્મચારી વર્તુળોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ બહુમાળી ભવનમાં પણ અનેક કચેરીમાં પણ જિલ્લા બહારના અધિકારીઓ-કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. તેઓ પણ અવાર-નવાર અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર સહિતના સ્થળે રજાઓ દરમ્યાન આવ-જા કરતા હોય છે. આ અધિકારી-કર્મચારીઓ સ્થાનિક કર્મચારીઓ સાથે સીધા સંપર્કમાં આવતા હોવાથી સંક્રમણ થવાની ભીતિ સતાવી રહી છે. દરમ્યાન, શનિવારે જિલ્લા પંચાયતની હિસાબી શાખાના ઇન્ટર્નલ ઓડિટરનો તેમના વતન પાલનપુર ખાતે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં વધુ શાખાના સીધા સંપર્કમાં આવેલા 12થી 13 જેટલા કર્મચારીઓ હોમ ક્વોરેન્ટાઇન થયા છે અને સંકુલની શાખાઓમાં ભયના કારણે પાંખી હાજરી જોવા મળી હતી તથા સોપો જોવા મળ્યો હતો. બીજીતરફ, નાયબ ડી.ડી.ઓ. સાથે સીધી રીતે સંકળાયેલા સંકુલના સલામતી કર્મચારીને હોમ ક્વોરેન્ટાઇન ન કરાતાં અને આ કર્મચારી છૂટથી દરેક શાખાઓમાં ફરતા જોવા મળતાં અન્ય કર્મચારીઓમાં ભય ફેલાયો હતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer