મંજૂરી નથી અપાતી તો મોઢવામાં ઝાડી કટિંગ કેવી રીતે થાય છે ?

મંજૂરી નથી અપાતી તો મોઢવામાં ઝાડી કટિંગ કેવી રીતે થાય છે ?
ભુજ, તા. 4 : જંગલ ખાતાના નિયમો પ્રમાણે દરિયા કિનારાથી બે કિ.મી.ના અંતરે ઝાડી કાપવા ને કોલસો બનાવવાની મંજૂરી મળતી નથી તો મોઢવા વિસ્તારમાં  કેમ મળી એ સવાલ સાથે પ્રદેશ કોંગ્રેસના મંત્રીએ મુખ્ય વનસંરક્ષક સમક્ષ ઝાડી કટિંગ   બંધ કરવાની માગણી કરી હતી. પ્રદેશ કોંગ્રેસના મંત્રી રફીકભાઇ મારાએ મુખ્ય વનસંરક્ષકને લખેલા પત્રમાં તપાસની માગણી કરીને જણાવ્યું હતું કે, ઝાડ કાપવાથી દરિયા કિનારાની રેતીથી ગામના અસ્તિત્વને  જોખમમાં મુકાય છે. તેમજ આજુબાજુના વાડી વિસ્તારને પણ જોખમ થાય તેમ છે. કેમ કે, દરિયાઇ ખારાશને રોકવા 50 વર્ષ પહેલાં આ વિસ્તારમાં આ ઝાડ રોપાયા હતા. તે 50 વર્ષ જૂના વૃક્ષો અને ઝાડી કાપી નાખવામાં આવે તો ખારાશ પટ વધી જશે અને દરિયાઇ રેતીથી આજુબાજુના ગામ અને ખેતીવાડી વિસ્તાર ઢંકાઇ જશે. મોઢવા ગામના લોકોએ 6 મહિના અગાઉ અધિકારી અને મામલતદારને લેખિત અને મૌખિક આવેદનપત્ર આપ્યું હતું છતાં પણ આ કોલસા બનાવવાની કામગીરી ચાલુ થતાં ગામલોકોમાં રોષ પેદા થયો છે. જો રૂબરૂમાં આ લોકોની પરિસ્થિતિનો  તાગ મેળવશો તો આપને ખ્યાલ આવશે કે તેઓ કેવી કપરી પરિસ્થિતિથી ઝઝૂમી રહ્યા છે. અગાઉ જંગલ ખાતાના અધિકારીઓએ ભુજથી ભચાઉનો રોડ અને ખાવડાથી સાંતલપુર રોડ પર્યાવરણને નુકસાન થાય તેવું હોતાં રોડના કામ બંધ કરાયા હતા, તો શું આ દરિયાઇ 13 કિ.મી.ની ઝાડીનું નિકંદન કાઢવાથી ગંભીર નુકસાન નહીં થાય ? 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer