ડીપીટીની ગાંધીધામ કચેરી કંડલા ખસેડવા આદેશ

ગાંધીધામ, તા. 4 : દેશના 12 પૈકી મોખરાના દીનદયાળ મહાબંદર (કંડલા)નું સંચાલન કરતાં દીનદયાળ પોર્ટ ટ્રસ્ટનું પ્રશાસનિક ભવન વર્ષોથી ગાંધીધામમાં કાર્યરત છે. મહાબંદર ઉપરના અનેક પ્રશ્નોની ચર્ચા વખતે અધિકારીઓ કંડલા બેસે તેવી વાતો ઉઠતી રહી છે. અખબારોએ પણ આ વાતનો પડઘો પાડયો છે. હવે કેન્દ્રીય શિપિંગ મંત્રાલય ગાંધીધામનું કાર્યાલય (એ.ઓ. બિલ્ડિંગ) કંડલા ખસેડવા આદેશ આપતાં સ્થાનિકે અધિકારી વર્ગમાં ખળભળાટ મચી ગયો છે.શરૂમાં અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, સચિવ વગેરે અધિકારીઓ ગાંધીધામ જ્યારે ટ્રાફિક, મરિન, મિકેનિકલ એન્જિનીયરિંગ વગેરે વિભાગના અધિકારીઓ કંડલા બેસતા હતા. ધીમે-ધીમે આ વિભાગીય વડાઓ પણ અહીં ગાંધીધામ સ્થિત એડમિનિસ્ટ્રેટીવ ઓફિસ (એ.ઓ. બિલ્ડિંગ)માં રૂમો શોધી શોધીને ગોઠવાઈ ગયા. છેલ્લે ટ્રાફિક મેનેજર પણ અહીં ગોઠવાતાં આ અંગે `કચ્છમિત્ર'એ ટકોર કરી હતી. આ અખબારી અહેવાલનો પડઘો હોય તેમ કેન્દ્રીય શિપિંગ મંત્રાલયે મહાબંદરથી 13 કિ.મી. દૂર આવેલી પ્રશાસનિક કચેરીને કંડલા ખસેડવા આદેશ કર્યો છે. સાથે સાથે આ માટેની યોજના 10મી જુલાઈ સુધી તૈયાર કરીને મોકલવા જણાવ્યું છે. કંડલા ખાતે ખારી આબોહવા, ઉડતી ધૂળ, કોલસાની રજ વગેરેથી બચવા ગાંધીધામ ગોઠવાઈ ગયેલા અધિકારીઓમાં આ આદેશે ખળભળાટ મચાવ્યો છે. હવે મંત્રાલયને કઈ રીતે મનાવવું તેનું મનોમંથન શરૂ થયું છે. મંત્રાલયને ગળે ઉતરે એવો કોઈ જવાબ આપવાનાં ચક્રો ગતિમાન થયાં છે. ગાંધીધામમાં કચેરી હોવી કેટલું ફાયદેમંદ છે તે જણાવવા તથા અહીં બેસતા અધિકારીઓ સમયે સમયે  મહાબંદરે જાય છે. ત્રીજા વર્ગના કે નાયબ વડાકક્ષાના અધિકારીઓ તથા સ્ટાફ હજુય કંડલામાં જ છે અને સંચાલનમાં કોઈ તકલીફ નહીં પડે વગેરે જેવી વાતો કરીને પ્રશાસનનું કાર્યાલય ગાંધીધામમાં જ ટકાવી રાખવા પ્રયાસ શરૂ થયા છે. મહાબંદર ઉપર કામદારો માટે પીવાના પાણીથી માંડી લાઈટ, રસ્તા, અગ્નિશમન, ગોડાઉનો, સ્ટાફ ક્વાર્ટર્સ વગેરેની જાળવણી, મરંમત વગેરેના પ્રશ્નો રોજબરોજ ઉકેલ માગતા હોય ત્યારે જો પ્રશાસનના નિર્ણય લઈ શકે તેવા સત્તાધિકારીઓ સ્થાનિકે હોય તો પ્રશ્નોનો ઝડપથી ઉકેલ આવી શકે તેવી વાતો વખતો વખત ચર્ચાતી રહી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer