નિરોણામાં મોડી રાતે તકેદારી લેવાઇ

નિરોણા (તા. નખત્રાણા), તા. 4 : નિરોણા ખાતે એકી સાથે ત્રણ કેસ પોઝિટિવ આવતાં નખત્રાણા તાલુકામાં કોરોનાના દસ્તક થઇ ચૂકયાં છે. મુંબઇ મહાનગરી ખાતે આ ગામના અનેક પરિવારો સ્થાયી થયા છે. આ નગરમાં મહામારી કોરોનાનો કહેર વધ્યા પછી અનેક પરિવારો આ ગામે પરત ફર્યા છે જે પૈકી બે ભાનુશાલી પરિવાર છેલ્લા દશેક દિવસથી અહીં આવ્યા પછી આરોગ્ય વિભાગ દ્વારા હોમ કવોરેન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા હતા.  એક પરિવારના કસ્તૂરીબેન, તેમના પુત્ર પ્રિતેશ તથા અન્ય પરિવારના પ્રાર્થનાબેન (ભાનુશાલી)ને બે દિવસ અગાઉ કોરોનાના લક્ષણ જોવા મળતાં તેમના સેમ્પલ ચકાસણી માટે મોકલવામાં આવ્યાં હતાં જ્યાં આજે આ બન્ને પરિવારોના ત્રણ સભ્યોને કોરોના જણાયા પછી આરોગ્ય તંત્ર અને સ્થાનિકનું પોલીસ તંત્ર હરક્તમાં આવ્યું હતું. મોડી સાંજે અહીંના પ્રા.આ. કેન્દ્રના તબીબી અધિકારી એ.કે. પ્રસાદ અને તેની ટીમે આ ત્રણ કોરોના અસરગ્રસ્ત દર્દીઓને ભુજની જી. કે. જનરલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં સારવાર માટે ખસેડવા તજવીજ હાથ ધરી હતી. દરમ્યાન મુંબઇના નવી મુંબઇ તથા ચેક નાકામાંથી દશેક દિવસ અગાઉ આવેલા આ પરિવારોમાં કોરોનાના પોઝિટિવ ત્રણ કેસો નક્કી થયા પછી આ ગામ જ નહીં પંથકમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. બીજી બાજુ ગામમાં કોરોનાના દર્દીઓ માલૂમ પડયા પછી વધુ ચેપ ફેલાતો અટકાવવા પોલીસ વિભાગ અને આરોગ્ય ખાતા દ્વારા રાતથી જ કાર્યવાહી હાથ ધરાઈ હતી.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer