અનલોકમાં છૂટછાટ આવકાર્ય, પણ નિયમપાલનનું શું ?

ભુજ, તા. 4 : કોરોનાના વધતા વ્યાપ સાથે જનજીવનની સાથે અર્થતંત્રને ધબકતું કરવા માટે લોકડાઉનના ચાર ચરણ પછી અનલોકના તબક્કા શરૂ થવા સાથે અનેક છૂટછાટો આપવામાં આવી છે. સૂચિત છૂટછાટો આપવી આવકારદાયક છે, પણ છૂટછાટની સાથે જારી કરાયેલા પ્રતિબંધાત્મક આદેશોના નિયમની અમલવારી યોગ્ય રીતે ન થઈ રહ્યાનું ચિત્ર ઉપસીને સામે આવતું દેખાઈ રહ્યું છે. જાગૃતો ધ્યાન દોરતાં કહે છે કે શહેર જ નહીં, જિલ્લાભરમાં વ્યાવસાયિક પ્રતિષ્ઠાનો રાત્રે આઠ વાગ્યા સુધી ખોલવાની છૂટ અપાઈ છે, પણ અગાઉ સાત વાગ્યાનો નિયમ હતો ત્યારે પોણા સાત વાગ્યાથી દુકાનના શટરો પડવાની શરૂઆત થઈ જતી પણ આઠ વાગ્યાની છૂટ મળ્યા બાદ અગાઉ જેટલી કડકાઈ દેખાતી નથી. તમામ શૈક્ષણિક પ્રતિષ્ઠાનોની સાથે કોચિંગ ક્લાસ બંધ રાખવાનો આદેશ કરાયો છે. માત્ર ઓનલાઈન શિક્ષણને છૂટ આપવામાં આવી હોવા છતાં જિલ્લામાં શાળા-કોલેજ બંધ છે પણ કેટલાક ટયુશન ક્લાસ તો ધમધમવા લાગ્યા છે. એ જ રીતે રાત્રિના 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી આવશ્યક સેવામાં ન આવતી હોય તેવી તમામ પ્રવૃત્તિ તેમજ વાહનો-વ્યક્તિઓ પ્રતિબંધિત કરાયાં હોવા છતાં રાત્રિના 10 વાગ્યા પછીય લોકોની અવરજવર ભલે ઓછા પ્રમાણમાં પણ જોવા તો મળી જ રહી છે. જ્યાં વધુ લોકસમૂહ એકત્ર થતો હોય તેવા સ્થળોને બંધ રાખવાની સૂચના આપવામાં આવી હોવા છતાં જિલ્લા મથક ભુજ સહિતના વિસ્તારમાં કેટલાક બાગ-બગીચા રાત્રિના 9 વાગ્યા સુધી ખુલ્લા જોવા મળે છે. ખાસ કરીને રવિવારે તો લોકોની હરવા-ફરવાની જગ્યાએ રાબેતા મુજબની ભીડ જોવા મળી રહી છે. રિક્ષા અને છકડામાં તો પ્રવાસીઓ ભરવાની કોઈ મનાઈ જ ન હોય તેમ ટીંગાયેલા પ્રવાસીઓ દેખાય છે. ભુજ, માધાપર, મુંદરા માર્ગે આવા રિક્ષા-છકડા પોલીસ સામેથી જ દોડતા નજરે પડે છે. ખુદ વડાપ્રધાન એમ કહેતા આવ્યા છે કે કોરોના સામે લડવાનું મહત્ત્વનું હથિયાર છે સોશિયલ ડિસ્ટન્સિંગ. આ જ સોશિયલ ડિસ્ટન્સિંગનો અમલ કરવામાં લોકો જોઈએ તેટલા જાગૃત દેખાતા નથી. જિલ્લામાં હાલમાં જ્યારે કોરોનાના કેસનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે છૂટછાટોની સાથે પ્રતિબંધાત્મક આદેશ અંતર્ગતના નિયમોની અમલવારી કડક રીતે થાય તે માટે તંત્રવાહકોએ સજ્જ બનવું જ પડશે એવો મત પ્રવર્તી રહ્યો છે. કોરોનાના સંક્રમણ પર લગામ કસવી હશે તો નિયમપાલન જ એક મહત્ત્વનું કાર્ય બની રહેશે તેમ કહેવું અતિશયોક્તિભર્યું લાગતું નથી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer