નલિયામાં બનેલો નવો માર્ગ ઊંચો બનાવાતાં અનેક ઘરમાં પાણી

નલિયા, તા. 4 : અબડાસાના મુખ્ય મથક નલિયા ખાતે પાંજરાપોળથી તત્ત્વભાવનાને જોડતો પી.ડબલ્યુ.ડી. પંચાયત દ્વારા રોડ બનાવવામાં આવ્યો છે. આ રોડ અગાઉ કરતાં 3 ફૂટ ઊંચો બનતાં નજીવો વરસાદ થાય તો પણ નજીક આવેલા લુહાર ચકલા સહિતના વિસ્તારોમાં વરસાદનું પાણી ભરાવાની સાથે એ વિસ્તારમાં રહેતા લોકોના ઘરોમાં આવે છે. આ અંગે લુહાર ચોક અને આસપાસના વિસ્તારમાં  રહેતા ચાલીસેક રહીશોએ  પીડબલ્યુડીના કાર્યપાલક ઇજનેર અને અન્ય અધિકારીઓને સંયુકત સહીથી પાઠવેલાં આવેદનપત્રમાં જણાવ્યું છે કે, પાંજરાપોળ નજીક આવેલા કૂવાનો ઉપયોગ મહિલાઆ પીવાના પાણી તરીકે  કરે છે. એટલું જ નહીં એ વિસ્તારમાં કન્યાશાળા પણ આવેલી છે. પાંજરાપોળમાં જવા-આવવાની પણ તકલીફ પડે છે. રોડ બનાવતી વખતે અગાઉ જે ઢાળ હતો તે ઢાળ કાઢી નાખવામાં આવ્યો છે, જેના કારણે નજીવા વરસાદમાં  પણ એ વિસ્તારના રહીશોના ઘરોમાં પાણી આવે છે. આ બાબતે સ્થળ નિરીક્ષણ કરી કાયમી ઉકેલ લાવવા માંગણી કરી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer