જન સેવા કેન્દ્રોમાં ઓનલાઈન એપોઈન્ટમેન્ટ દાખલ કરવાની વિચારણા

ભુજ, તા. 4 : અહીંના જન સેવા કેન્દ્રમાં સોશિયલ ડિસ્ટન્સના ઊડતા છેદની ઊઠેલી વ્યાપક ફરિયાદ વચ્ચે અહીં હવે ટોકન પ્રથાની સાથે ઓનલાઈન એપોઈન્ટમેન્ટની સિસ્ટમ પણ દાખલ કરવા અંગે સક્રિય વિચારણા કરવામાં આવી રહી છે. રાજ્યમાં સૌપ્રથમ રાજકોટ જિલ્લામાં આ સિસ્ટમનો અમલ શરૂ થયો છે અને રાજ્ય સરકાર અન્ય જિલ્લાના જન સેવા કેન્દ્રોમાં આ પ્રથા લાગુ કરવાનું વિચારી રહી છે. કોરોનાની સ્થિતિને ધ્યાને લઈ જ્યાં વધુ પ્રમાણમાં અરજદારો એકત્ર થાય છે એવા જન સેવા કેન્દ્રોમાં સામાજિક અંતર જળવાય અને ખોટી ભીડ એકત્રિત ન થાય તે હેતુ ટોકન પ્રથા અમલમાં મુકાયેલી હોવા છતાં થોડા દિવસો સુધી સ્થિતિ પ્રમાણમાં સંયમિત દેખાયા બાદ ફરી એકવાર વૈશ્વિક મહામારીને નોતરું આપતા હોય તેવો અરજદારોનો જમાવડો દેખાઈ રહ્યો છે. નિયમનું પાલન કરાવવા માટે ગાર્ડની તૈનાતી કરાઈ હોવા છતાં ક્યાંક ને ક્યાંક ઢીલાશ વર્તવામાં આવી રહી છે. તો વળી, મામલતદાર કચેરીના પ્રવેશ ગેટ પાસે ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે બેસીને રહેતા એજન્ટોથી સર્જાતી સમસ્યા બરકરાર રહેવા પામી છે. જાગૃતોમાં આ મુદ્દે ગણગણાટ ઊઠવા વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થઈ શકે અને કોરોનાનાં સંક્રમણની ભીતિ ઊભી ન થાય તે માટે સબ-રજિસ્ટ્રારની કચેરી માફક જન સેવા કેન્દ્રોમાં અરજદારો માટે ઓનલાઈન એપોઈન્ટમેન્ટ સિસ્ટમ લાગુ પાડવાનું સક્રિય રીતે વિચારાઈ રહ્યું છે. કેટલાક જાણકારોએ આ મુદ્દે એવી ટકોર પણ કરી કે, જન સેવા કેન્દ્રોમાં ગ્રામ્ય વિસ્તારના અંતરિયાળ ભાગોમાંથી અરજદારો આવતા હોય છે, જો ઓનલાઈન એપોઈન્ટમેન્ટ લેવાની સિસ્ટમ અમલી બને તો નેટ કનેક્ટિવિટીનો અભાવ સહિતની સમસ્યા બાધારૂપ બની શકે તેમ છે.  આ બાબતે મામલતદાર એ. યુ. સુમરાને પૂછતાં તેમણે રાજ્ય સ્તરેથી કોઈ સૂચના નથી મળી પણ જો કોઈ આદેશ આવશે તો ચોક્કસથી તેનો અમલ કરવામાં આવશે તેમ કહ્યું હતું.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer