કલ્યાણપરની ગ્રામીણ બેંકના વહીવટથી ગ્રાહકો બન્યા ત્રસ્ત
નખત્રાણા, તા. 4 : તાલુકાના કલ્યાણપરની બરોડા-ગુજરાત ગ્રામીણ બેંકનો વહીવટ છેલ્લા છ એક મહિનાથી કથળતાં કલ્યાણપર સહિત આસપાસના ગામોના બેંક ગ્રાહકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે. હાલે છેલ્લા ચારેક દિવસથી બેંકની નેટ સિસ્ટમ બંધ છે તો ક્યારેક કોમ્પ્યુટર બંધ હોય તો ક્યારેક પ્રિન્ટર બંધ હોય તેમાંય નેટવર્કની કાયમી સમસ્યા છે. ચેક ક્લીઅર થતા પંદરથી વીસ દિવસ લાગે છે. પાસબુકમાં એન્ટ્રી કરાવવી હોય તો પ્રિન્ટર ખરાબ હોય અને સ્ટેટમેન્ટ માટે ભુજથી લઈ આવશું એવા જવાબ મળે છે. અત્યારે ચોમાસાની સિઝન છે. ખેડૂતો, મજૂરોને નાણાંની જરૂર હોય, બેંકમાં નેટવર્ક ઠપ હોય ત્યારે બધા વ્યવહાર ઠપ થઈ જાય છે. ખેતમજૂરો જાય કયાં ? બેંકના ચેક આપેલા હોય, ગાડીના હપ્તા હોય પણ પૈસા જમા કરાવવા જઈએ તો સિસ્ટમ બંધ હોય એટલે ચેક પરત ફરે. ગ્રાહકોને રૂા. ચારસો-પાંચસો ભોગવવા પડે છે તેવી ફરિયાદ ઊઠી હતી. બરોડા બેંક સાથે પાર્ટનર ગ્રામીણ બેંક થઈ છ મહિના થયા હજુ કોઈને પાસબુક કે ચેકબુક,નવા કોડનંબર પણ હજુ કોઈ ગ્રાહકને આપવામાં નથી આવ્યા. કલ્યાણપર સહિત આસપાસ પંદર જેટલા ગામો હેરાન-પરેશાન છે.