નર્મદાના અટકેલા કાર્યો ઝડપભેર પૂર્ણ કરવા તરફ ડગ મંડાયા

ભુજ, તા. 4 : બે દિવસ પૂર્વે ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં નર્મદાના કામોની વર્તમાન પ્રગતિની સમીક્ષા કર્યા બાદ શાખા નહેરના 24 કિ.મી.ના બાકી કામો અગ્રતાના ધોરણે પૂર્ણ કરવાની તાકીદ કર્યા બાદ કચ્છમાં આ કામો પૂર્ણ કરવા મુદ્દે જમીન સંપાદન સહિતના અટકેલા કાર્યોની મડાગાંઠ ઉકેલવા સક્રિય કવાયત આદરવામાં આવી છે. રવિવારે રાજ્યમંત્રી વાસણભાઈ આહીરની ઉપસ્થિતિમાં શિણાય ગામના ખેડૂતોની બેઠક બોલાવાઈ છે, તો જમીન સંપાદન અધિકારી પાસેથી વધારાના પાંચ ચાર્જ પરત લઈ તેમને કચ્છની જમીન સંપાદન કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવાયું છે. રાજ્યમંત્રી વાસણભાઈએ `કચ્છમિત્ર' સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું કે, 357 કિ.મી.ની શાખા નહેરના કામમાં 24 કિ.મી.નું કામ બાકી છે. આ કાર્ય ઝડપભેર પૂર્ણ થાય તે માટે કાલે રવિવારે અંજાર પ્રાંત કચેરી ખાતે કલેક્ટર પ્રવીણા ડી.કે., ઝોન અધિકારી વિજય જોશી, ધારાસભ્ય માલતીબેનની ઉપસ્થિતિમાં શિણાય ગામના ખેડૂતોની બેઠક બોલાવાઈ છે. આ બેઠકમાં જમીન સંપાદન બાદ એવોર્ડ ચૂકવવા સહિતની બાબતમાં જે પ્રશ્નો ખેડૂતોના મનમાં ઊઠી રહ્યા છે તેની અરસ-પરસ ચર્ચા કરવા સાથે સરકાર તો ખેડૂતોને મહત્તમ વળતર મળે એવી લાગણી દેખાડી રહી છે. ત્યારે આ બેઠકમાં ખેડૂતો સાથે ચર્ચા કરવા ઉપરાંત જમીન સંપાદન કાર્યમાં સહયોગ આપવા વિનંતી પણ કરાશે. વાસણભાઈએ વધુમાં એવું પણ કહ્યું કે, હાલમાં જમીન સંપાદન અધિકારી તરીકે ફરજ બજાવતા શ્રી પ્રજાપતિ પાસે છ ચાર્જ હોતાં તેઓ આ કામગીરી માટે સમય નહોતા ફાળવી શકતા, પણ મુખ્યમંત્રીની બેઠકમાં આ મુદ્દો ઉઠાવ્યા બાદ વધારાના પાંચ ચાર્જ પરત લઈ એકમાત્ર નર્મદા જમીન સંપાદનના કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરી કચ્છમાં કેમ્પ રાખી કાર્ય કરવાની સૂચના આપવામાં આવી હતી. શ્રી આહીરે એમ કહ્યું કે, જમીન સંપાદન અધિકારી તરીકે શ્રી પ્રજાપતિના અનુભવનો લાભ મળે તે માટે તેમની પાસેથી વધારાના ચાર્જ સરકાર દ્વારા પરત લઈ લેવામાં આવ્યા છે. બેઠકમાં શિણાય ગામના ખેડૂતો ઉપરાંત વરિષ્ઠ નાગરિકો કે જેઓ આ બાબતના તજજ્ઞ છે તેમને બોલાવી આ મહત્ત્વના મુદ્દે પરામર્શ કરવામાં આવશે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer