ભારતીય કોચ માટે વેતનની ટોચની મર્યાદા હટાવશે ખેલ મંત્રાલય

નવી દિલ્હી, તા. 4 : ખેલ મંત્રાલયે શનિવારે ભારતીય કોચો દ્વારા એથલેટોને પ્રશિક્ષણ આપવા ઉપર વેતનની ઉપરી મર્યાદા બે લાખ રૂપિયાને હટાવવાની ઘોષણા કરી છે. કોચ વધુ સારૂ પરિણામ આપવા માટે પ્રોત્સાહિત થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ પૂ‰ર્વ ખેલાડીઓને હાઈ પર્ફોમન્સ પ્રશિક્ષક બનવા માટે ઉત્સાહિત કરી શકાય તેવો પણ હેતુ છે. મંત્રાલયે તમામ વિદેશી કોચોનો કરાર સપ્ટેમ્બર મહિના સુધી લંબાવવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ ઉપરી મર્યાદા હટાવવા અંગે ફેંસલો લીધો હતો. આ સાથે ઓલિમ્પિક સાથે તાલમેલ મેળવતા ભારતીય અને વિદેશી કોચને ચાર વર્ષ માટે પસંદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખેલ મંત્રી કિરણ રિજિજૂએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, ઘણા ભારતીય કોચ ખૂબ સારા પરિણામ આપી રહ્યા છે અને તેઓને આકરી મહેનત માટે પુરસ્કૃત કરવાની જરૂરિયાત છે. સરકાર દેશભરથી સર્વશ્રેષ્ઠ કોચિંગ પ્રતિભાઓને આકર્ષિત કરવા માટે ઈચ્છુક છે. એલીટ એથલેટોને પ્રશિક્ષિત કરવા માટે વેતનની મર્યાદા કોઈ પડકાર બને તેવું સરકાર ઈચ્છતી નથી.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer