આમારા સીમમાં પવનચક્કી સંલગ્ન કંપનીનો 1.39 લાખનો કેબલ ચોરાયો
ભુજ, તા. 4 : પવનચક્કીઓ ઊભી થયા બાદ તેની સારસંભાળ અને સલામતી માટે કાર્યરત કંપની એક્ટિવ પ્રોટેક્શન સર્વિસ પ્રાઇવેટ લિમિટેડના નખત્રાણા તાલુકાના આમારા ગામની સીમમાં આવેલા સ્ટોરમાંથી રૂા. 1,39,720ની કિંમતનો કેબલ વાયર કોઇ હરામખોરો ઉઠાવી ગયા હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. આ બાબતે પોલીસમાં વિધિવત ફરિયાદ દાખલ કરાવાતાં છાનબીન હાથ ધરાઇ છે. આમારાની સીમમાં દશેક એકર જમીનમાં ઊભા કરાયેલા કંપનીના સ્ટોર ખાતેથી ગત તા. 23મી જૂનના રાત્રિ દરમ્યાન તસ્કરીની આ ઘટના બની હતી. આ વિશે કંપનીની પુના મહારાષ્ટ્ર ખાતેની વડી કચેરી સાથે વાટાઘાટો બાદ ત્યાંથી મળેલા માર્ગદર્શન અન્વયે કંપનીના ઓપરેશનલ મેનેજર હીરેન જીતેશ ત્રિપાઠી (મૂળ રે. જામનગર હાલે નખત્રાણા) દ્વારા આ ગુનો દાખલ કરાવાયો હતો. નખત્રાણા પોલીસે ફરિયાદને ટાંકીને આ સંબંધી વિગતો આપતાં જણાવ્યું હતું કે આ ઘટનામાં ખુલ્લા સ્ટોર ખાતેથી કોઇ હરામખોરો દ્વારા 185 એમ.એમ.ના 140 મીટર કેબલ વાયર ચોરી જવાયા હતા. ઉઠાવી જવાયેલા આ જથ્થાની કિંમત રૂા. 1,39,720 અંકારવામાં આવી છે. આ સ્ટોર ખાતે ચોરીનો બનાવ બન્યો ત્યારે ફરજ ઉપરના સલામતી રક્ષક સલેમાન સુમાર રાયમાની કંપની દ્વારા પૂછતાછ કરાતાં તેણે એવી કેફિયત આપી હતી કે રાત્રે સાડા ત્રણ વાગ્યા સુધી તે જાગતો હતો. બાદમાં માથું દુ:ખતું હોવાથી તે સૂઇ ગયો હતો અને આ ચોરીની ઘટના બની ગઇ હતી.