ભુજમાં કૌટુંબિક બાબતે વેવાઇ પક્ષના બે પરિવારની મારામારીમાં છ ઘવાયા
ભુજ, તા. 4 : શહેરમાં ઘરેલુ અને કૌટુંબિક બાબત વકરતાં વેવાઇ એવા બે પરિવાર વચ્ચે છરી અને લાકડી સહિતના હથિયારો વડે થયેલી મારામારીમાં બન્ને પક્ષના કુલ છ સદસ્ય જખ્મી થયા હતા. જેમને સારવાર માટે અત્રેની જનરલ હોસ્પિટલ ખાતે દાખલ કરાયા હતા. શહેરમાં આર.ટી.ઓ. રિલોકેશન સાઇટ ખાતે એન્કરવાલા ચકરાવા નજીક રાજીવનગર તરીકે ઓળખાતા ઝુંપડપટ્ટી વિસ્તારમાં આજે સવારે મારામારીની આ ઘટના બની હતી. બન્ને પક્ષ વારાફરતી સારવાર માટે જનરલ હોસ્પિટલ પહોંચ્યા હતા. આ બાબતે પોલીસને જાણ કરાતાં આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરાઇ હતી.પોલીસે માહિતી આપતાં જણાવ્યું હતું કે આ ઘટનામાં એક પરિવારના શહેનાઝ અમજત કુરેશી (ઉ.વ.21), તેના માતા નશીમબેન (ઉ.વ.40) અને પિતા અમજત જુમા કુરેશી (ઉ.વ.42) જખ્મી બન્યા છે. તો સામાપક્ષના હિના કાસમ કુરેશી (ઉ.વ.19), તેની બહેન નઝમીન (ઉ.વ.17) તથા માતા ફરીદાબેન કાસમ કુરેશી (ઉ.વ.40) ઘવાયાં હતાં. આ તમામને જનરલ હોસ્પિટલ ખાતે દાખલ કરાયાં છે. અમજત કુરેશીના પરિવારે પોલીસ સમક્ષ લખાવેલી પ્રાથમિક વિગતોમાં ધોકા વડે શહેનાઝના પતિ સમીર કાસમ કુરેશી, સસરા કાસમ જુમા કુરેશી અને સાસુ ફરીદાબેને હુમલો કર્યો હોવાનું લખાવ્યું છે.તો કાસમ કુરેશીના પરિવારના સભ્યોએ લાકડી અને છરી વડે અમજદ, તેની પત્ની નશીમ, શહેનાઝ અને ફ્રિકાએ હુમલો કર્યાનું લખાવ્યું છે.