ગુજરાતના વરિષ્ઠ ધારાશાત્રી સર્વોચ્ચ અદાલતમાં અધિક સોલિસીટર જનરલ પદે

ભુજ, તા. 4 : રાજ્યની વકીલ આલમમાં અગ્રહરોળનું સ્થાન ધરાવતા વરિષ્ઠ ધારાશાત્રી એસ.વી. રાજુની સુપ્રીમ કોર્ટમાં અધિક સોલિસીટર જનરલ પદે નિયુક્તિ થઇ છે. મૂળ દક્ષિણ ભારતના વતની પરિવારના સદસ્ય એવા સૂર્યપ્રકાશ વી. રાજુના પિતા ગુજરાત રાજ્યમાં જ્યારે કોર્ટની શરૂઆત થઇ ત્યારે પ્રથમ નિમાયેલા ચાર ન્યાયાધીશ પૈકી એક હતા. ગુજરાતમાં જ જન્મેલા એસ.વી. રાજુએ ધારાશાત્રી તરીકેની કારકિર્દી પસંદ કર્યા બાદ હાલે તેઓ ગુજરાતમાં સિનિયર કાઉન્સિલમાં સ્થાન ધરાવે છે. વકીલાતના વ્યવસાય દરમ્યાન અનેક હાઇપ્રોફાઇલ કેસોમાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા તેમણે સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં દેશના હાલના ગૃહમંત્રી અમિતભાઇ શાહ વતી કેસ લડયા હતા. તેઓ વિવિધ સામાજિક સંસ્થા અને સંગઠનો સાથે પણ સંકળાયેલા છે. તો બાર કાઉન્સિલની વિવિધ સમિતિમાં પણ તેઓ સેવા આપી ચૂકયા છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer