ખારોઈની કોરોના સંક્રમિત મહિલાને હોસ્પિટલ ખસેડવા પરિવાર માંડ સંમત

ગાંધીધામ, તા. 3 : ખારોઈમાં કોરોના સંક્રમિત ગર્ભવતી મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવાની પરિવારજનોએ ના પાડતાં મામલો તંગ બન્યો હતો. આખરે ચાર કલાક બાદ મામલો થાળે પડયો હતો.આ અંગે મળતી વિગતો મુજબ મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવતાં આરોગ્ય તંત્રની ટુકડી સારવાર માટે રીફર કરવા માટે પહોંચી હતી. જો કે, પરિવારજનોએ મહિલાને હોસ્પિટલ નથી મોકલવી તેવી જિદ્દ પકડીને બેસતાં આરોગ્ય તંત્ર મૂંઝવણમાં મુકાયું હતું.  મહિલા  ગર્ભવતી   હોઈ સારવારમાં વિલંબ ન થાય તે જરૂરી હતું, પરંતુ પરિવારજનો  ના જ પડતા હતા. આ મામલે ભચાઉના પી.આઈ. આર.જે. સિસોદિયા સ્ટાફ સાથે પહોંચ્યા હતા. પોલીસે શાંતિથી પરિવારજનોને સમજાવ્યા હતા.  જો કે, 15 જણના  આ પરિવારે શરૂઆતમાં પોલીસને પણ મચક આપી ન હતી. સરપંચ સહિતના આગેવાનો પણ દોડી આવ્યા હતા.એક તબક્કે બાળકોને પણ સાથે લાવવાની જિદ્દ પકડી હતી. આખરે લાંબી મથામણ બાદ સાંજે 8 વાગ્યે મહિલાને 108માં સારવાર તળે  આદિપુર લઈ જવાઈ હતી.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer