ઘરબંધીથી કચ્છમાં બેંકિંગ વ્યવહારમાં દૈનિક રૂા. 650 કરોડનો ઘટાડો

ઘરબંધીથી કચ્છમાં બેંકિંગ વ્યવહારમાં દૈનિક રૂા. 650 કરોડનો ઘટાડો
ગિરીશ જોશી દ્વારા-  ભુજ, તા. 2 : કોરોનાને વ્યાપક પ્રમાણમાં ફેલાવતો અટકાવવા સમગ્ર દેશમાં 21 માર્ચથી ઘરબંધીનો નિર્ણય લેવાયા પછી નિષ્ણાતોએ દેશમાં આર્થિક બાબતોથી માંડી તમામ ક્ષેત્રમાં અસરો થવાનો મત વ્યક્ત કર્યો હતો, જે જાણે સાચો પડી રહ્યો છે. ધરતીકંપ પછી ઉદ્યોગોના આગમનને પગલે દૈનિક મોટી આર્થિક ઊથલ-પાથલ કરતા આ કચ્છ જિલ્લામાં બેંકિંગ ક્ષેત્રે નાણાકીય લેવડ-દેવડમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. જે મુજબ વ્યવહારોમાં દરરોજ અંદાજિત 650 કરોડનો ઘટાડો થયો હોવાનું સામે આવ્યું છે. આ લોકડાઉનના માત્ર બે મહિનાનું ગંભીર તારણ બહાર આવ્યું છે. ત્રણેક મહિના સાવ જ બંધ રહેલા તમામ ઔદ્યોગિક એકમો તેમજ નાના-મોટાં ધંધા-રોજગારના કારણે હવે તેની અવડી અસરો દેખાઈ રહી છે. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રવચનનાં કહ્યું હતું કે, કોરોના સામે સાવચેતી નહીં રાખીએ તો ભારત દેશ 20 વર્ષ પાછો ધકેલાઈ શકે છે. લોકડાઉનની બેંકિંગ ક્ષેત્રમાં શું અસર પડી છે એ જાણવા `કચ્છમિત્ર'એ પ્રયાસ કર્યો તો ઊડીને આંખે વળગે તેવી વિગતો સામે આવી હતી. 37 બેંકો કચ્છમાં આવેલી છે, જેની 403 શાખાઓમાં દરરોજ મોટી સંખ્યામાં ખાતેદારો પોતાના રોજીંદા બેંકના કામો માટે જતા હોય છે, જ્યાં જમા-ઉધાર કરાવતા હોય છે. 37 બેંક પૈકી પાંચ બેંકો માર્ચ પહેલાં જ મર્જ કરી દેવામાં આવી છે. પ્રાપ્ત થયેલી માહિતી પ્રમાણે કચ્છમાં 14 લાખ જેટલા ખાતેદારો છે, જેની અંદાજે 38 હજાર કરોડની ડિપોઝિટ જમા છે. 38 હજાર કરોડ સામે આ તમામ બેંકોએ 17 હજાર કરોડનું એડવાન્સ એટલે કે ધિરાણ આપ્યું છે.દરરોજ કચ્છમાં કેટલા  ખાતેદારો બેંકમાં રોકડમાં લેવડ-દેવડ કરે છે એ સિવાય સામે માર્ચમાં 1.25 લાખ ગ્રાહકો દૈનિક બેંક સેવાનો લાભ લઇ રહ્યા હતા, પરંતુ માર્ચના લોકડાઉન પછી અત્યારે 93 હજાર ગ્રાહકો બેંકિંગ કામ માટે બેન્કમાં  જતા હોવાના આંકડા સામે આવ્યા છે.એનો મતલબ એ કે, લોકડાઉનના પગલે દરરોજ 32 હજાર ગ્રાહકોને  અસર થઇ છે જે બેંકના કામથી અળગા રહ્યા છે. આ એક મોટો ઘટાડો કહેવાય. ભલે કચ્છમાં 38 હજારની થાપણમાં 13 હજાર કરોડ તો  બિનનિવાસી કચ્છીઓની મૂડી હોવાથી છેલ્લા ત્રણ મહિનામાં સમગ્ર દેશ-વિદેશમાં  આવન-જાવન બંધ હોવાથી એન.આર.આઇ. બેંક ગ્રાહકો પણ આવ્યા નથી એ પણ એક બાબત નોંધવા જેવી છે.એનાથી મોટી ગંભીર હકીકત એ છે કે, દૈનિક 2500 કરોડની રોકડ લેવડ-દેવડ માર્ચ મહિના સુધી ચાલતી હતી. તે હવે ઘટીને  રૂા. 1850 કરોડ ઉપર આવી જતાં દૈનિક રૂા. 650 કરોડની રોકડ ઊથલ-પાથલમાં ગિરાવટ આવી છે. જાણકાર સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે, આવનારા દિવસોમાં મોટી મંદી આવશે અથવા આર્થિક બાબતોમાં  સંકડામણ ઊભી થવાની ભીતિથી સેંકડો ગ્રાહકોએ  બેંકમાં જમા પોતાની ધનરાશિમાંથી કરોડો રૂપિયા ઉપાડી લીધા છે જે વાતને સમર્થન મળ્યું હતું, છતાં નાણાંભીડની વિગતો પ્રાપ્ત થઇ શકી ન હતી. જો કે, આ મુદ્દે લીડ બેંક મેનેજર સંજયસિંહાનો સંપર્ક સાધ્યો કે, ગ્રાહકો કેમ ઘટયા અથવા તો નાણાકીય લેવડ-દેવડમાં ગ્રાફ નીચે આવ્યો છે  એ મુદ્દે તેમણે જણાવ્યું કે, સમગ્ર કચ્છના બધા જ વ્યવહાર બંધ છે. વળી લોકોને  સામાજિક અંતર રાખવાનું છે. આ તમામ કારણોસર જરૂરત વગર ગ્રાહકો બેંકમાં આવતા જ નથી એ હકીકત છે અને હવે ઘણા ખાતેદારો  ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરતા થઇ ગયા છે એટલે બેંકમાં  આવીને રોકડ લેવડ-દેવડ કરવાનું ટાળે છે. મોબાઇલ કે પોતાના કોમ્પ્યુટર વડે નાના-મોટા આર્થિક વ્યવહાર  ડિજિટલી કરવાનું પ્રમાણ વધી ગયું છે એટલે સ્વભાવિકે ખાતેદારો ઘટયા છે.બીજું કે ઉદ્યોગો બંધ હોવાથી તેના પગાર ન થતા હોવાથી પગાર ઉપાડવાની ખાતાને અસર પહોંચી છે. અત્યારે બેંકિંગ ક્ષેત્રે સંકળાયેલા તમામ વર્ગને  અસર પહોંચી છે. જેવું બધું રાબેતા  મુજબ થઇ?જશે તો વ્યવહાર પણ વધી જશે એવી આશા તેમણે જણાવી હતી. 
    ચેકના આર્થિક વ્યવહારમાં રૂા. 100 કરોડની દૈનિક ખાધ  ભુજ, તા. 2 : લોકડાઉનના કારણે કચ્છની તમામ બેંકોમાં રોકડ વ્યવહારને મોટી અસર પહોંચી છે. તો એવી જ રીતે ચેક ક્લીઅરિંગમાં પણ મોટો ઘટાડો થયો છે.મળેલી વિગતો પ્રમાણે દરરોજ જે રીતે 650 કરોડના રોકડ લેતી-દેતી કરવામાં અવડી અસર થઈ છે, એ જ રીતે ચેક કલીઅરિંગ બાબતમાં 40 ટકાની ઘટ થઈ છે. આ બાબતે બેંક કર્મચારી સંગઠનના અગ્રણી અશોક ભટ્ટનો સંપર્ક સાંધ્યો તો તેમણે પણ સમર્થન આપ્યું હતું. વિશેષમાં તેમણે જણાવ્યું હતું કે, માર્ચ પહેલાં સામાન્ય સંજોગોમાં કચ્છના ભુજ અને ગાંધીધામના ચેક ક્લીઅરિંગ હાઉસમાં દરરોજ રૂા. 250 કરોડના ચેક વહીવટમાં આવતા હતા. હવે માર્ચમાં લાગુ કરવામાં આવેલા લોકડાઉન પછી અત્યારે મોટી ખાધ પડી છે. અત્યારે રૂા. 150 કરોડના ચેક કલીઅરિંગ થતાં હોવાથી દૈનિક રૂા. 100 કરોડની રકમના ચેકના આર્થિક વ્યવહાર ઘટી ગયા છે તેવું તેમની પાસેથી જાણવા મળ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer