કોરોનાથી નવમું મોત; વધુ પાંચ પોઝિટિવ

કોરોનાથી નવમું મોત; વધુ પાંચ પોઝિટિવ
ભુજ, તા. 2 : કચ્છમાં આજે  કોરોનાથી વધુ એક મોત થતાં કુલ આંક નવ પર પહોંચ્યો છે. તો વધુ પાંચ પોઝિટિવ કેસ આવતાં આરોગ્યતંત્રની સાથે વહીવટીતંત્ર પણ દોડતું થયું છે. રાપરના તબીબ કચ્છના પ્રથમ કોરોનાગ્રસ્ત તબીબ બન્યા છે. તેમના સહિત પાંચેય દર્દીઓના અલગ અલગ તારણો પ્રાથમિક રીતે મળ્યા છે. લખપતની જી.એમ.ડી.સી. કોલોનીમાં રહેતા બાવન વર્ષીય આધેડ ઝહીરઅલી જમીનઅલી માકરાણીનો કોરોનાએ આજે ભોગ લીધો છે. જીએમડીસીમાં આસિસ્ટન્ટ ઈન્જિનીયર તરીકે ફરજ બજાવતા ઝહીરઅલી ગત તા. 21/6ના અમદાવાદથી લખપત આવ્યા બાદ તા. 25/6ના તાવ, ગળાનો દુ:ખાવો તેમજ શ્વાસની તકલીફ સાથે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં દાખલ થતાં બીજા દિવસે પોઝિટિવ આવ્યા હતા. તેઓ ડાયાબિટીસ અને હાઇપરટેન્શન જેવી બીમારીથી પણ પીડિત હતા. બીજીતરફ સાંજે જિલ્લા વિકાસ અધિકારીએ આજે બહાર પાડેલી યાદી પ્રમાણે અબડાસા તાલુકાના કોઠારા ગામની 27 વર્ષીય યુવતી રાજુબા અભયસિંહ સોઢાને કોરોના પોઝિટિવ આવ્યો હતો. તેઓ અમદાવાદથી આવ્યા હતા જેને પગલે કોઠારાના વાછરા ફળિયાને સીલ કરવાની કાર્યવાહી કરાઇ હતી. બીજીબાજુ રાપર તાલુકાના બેલા ગામના એક જ પરિવારના યુવાનો પણ કોરોનાગ્રસ્ત બન્યા હતા. બેલાના 26 વર્ષીય કૃપાલસિંહ વાઘેલા તથા 31 વર્ષીય ગનુભા કીર્તિસિંહ વાઘેલા આ બન્નેના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. કૃપાલસિંહ પાટણ ગયા હતા. તો ગનુભાનું કારણ શોધવાનું ચાલુ છે. રાપરના 42 વર્ષીય સલારી નાકે દવાખાનું ધરાવતા તબીબ ડો. દેવેન્દ્રગિરિ ગોસ્વામીને પોઝિટિવ આવ્યો હતો. ખુદ ડોકટરને કયાંથી સંક્રમણ લાગ્યું તેની તપાસ ચાલુ છે. પોતાનો રિપોર્ટ કરાવ્યા બાદ પણ આ તબીબે પોતાનું દવાખાનું ચાલુ રાખતાં તેમની પાસેથી દવા લેનારાઓમાં ભય પ્રસરી ગયો છે. તો માધાપરમાં ઓમાનથી આવેલા આધેડ કિશોરભાઇ માધાપરિયા મહામારીમાં સપડાયા છે. પ્રાપ્ત થયેલી માહિતી પ્રમાણે રાપરના ડો. દેવેન્દ્રગિરિ આદિપુરની કોવિડ હરિઓમ હોસ્પિટલ કેવી છે તે જોવા ગયા ને કોરોના પોઝિટિવ આવ્યો છે.આજે એક જ દિવસમાં આવેલા નવા પાંચ કેસથી કચ્છનો આંક 172 પર પહોંચી ગયો છે તો એકિટવ કેસની સંખ્યામાં સતત વધારો થતો જાય છે. 102 નંબરની સંખ્યા પછી કોઇને રજા અપાઇ નથી, અત્યારે 62 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. અગાઉ 8 મોત થઇ?ચૂકયાં છે. નવાવાસ માધાપર પટેલ વાડી પાછળ જીણા પટેલની વાડી સેવક સમાજ વાળી શેરીમાં રહેતા અને ઓમાનથી 13 દિવસ પહેલાં આવેલા કિશોર જાદવજી માધાપરિયાનો કોરોના પોઝિટિવ આવતાં વહીવટતંત્ર, પોલીસ, માધાપર પી.એચ.સી. અને પંચાયતના સ્ટાફે શેરીને સીલ કરી  હતી. તાબડતોબનાં પગલાં લેતાં તંત્ર સાથે પંચાયતના ઉપસરપંચ અરજણભાઇ ભુડિયા, તલાટી સુખદેવ ગજ્જર, પંચાયતના સભ્ય  વિનોદભાઇ પિંડોળિયા,  જયંતભાઇ માધાપરિયા, વહીવટ તંત્ર અને પોલીસ સ્ટાફના પીએસઆઇ વી. એચ. ઝાલા, તાલુકા આરોગ્ય અધિકારી શ્રી પરમાર, ડો. સીજુ દોડી આવ્યા હતા. બન્ને બાજુ આડશ મૂકીને શેરી બંધ કરી હતી. 13 દિવસ પહેલાં ઓમાનથી આવેલા કિશોરભાઇની તબિયત બગડતાં પહેલાં લેવા પટેલમાં દવા લીધી, ત્યારબાદ ગઇકાલે રિપોર્ટ કરાવતાં કોરોના પોઝિટિવ આવ્યો હતો. તેઓ 14 દિવસના કવોરેન્ટાઇન સમયગાળી રહ્યા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer