જી.કે.માં કોઇપણ ઇમરજન્સીને પહોંચી વળવા બે અદ્યતન એમ્બ્યુલન્સનું લોકાર્પણ

જી.કે.માં કોઇપણ ઇમરજન્સીને પહોંચી વળવા બે અદ્યતન એમ્બ્યુલન્સનું લોકાર્પણ
ભુજ, તા. 2 : અદાણી સંચાલિત જી. કે. જનરલ હોસ્પિટલમાં કોઈપણ દર્દી ગંભીર અને નાજુક પરિસ્થિતિમાં આવી જાય અને એડવાન્સ સારવારની આવશ્યકતા ઊભી થાય તો દર્દીને ખસેડવા બેઝિક લાઈફ સપોર્ટની સગવડ (મૂળભૂત જીવન આધાર) ધરાવતી બે મોડર્ન એમ્બ્યુલન્સનું જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશી અને જી.કે. મેડિકલ કોલેજના ડાયરેક્ટર વી. એસ. ગઢવીની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરાયું હતું. જી. કે. જનરલ હોસ્પિટલ અને વડોદરા લાઈફ મેનેજમેન્ટના સંયુક્ત ઉપક્રમે લોકાર્પિત થયેલી આ આધુનિક ક્ષાની એમ્બ્યુલન્સને બેઝિક લાઈફ સપોર્ટમાંથી એડવાન્સ લાઈફ સપોર્ટમાં તબદીલ કરવાની તબીબી સગવડો ઉપલબ્ધ બનાવવામાં આવી છે. જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશી સહિત ઉપસ્થિત તમામ હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓને એમ્બ્યુલન્સના ઓપરેશન મેનેજર અશોક સિંઘે માહિતી આપતાં જણાવ્યું હતું કે, આ એમ્બ્યુલન્સ દરેક પ્રકારની ઈમરજન્સી સાથે કામ પાર પાડવા સક્ષમ છે. તેમાંય અકસ્માતમાં દર્દીની કરોડરજ્જુને લગીરે ઈજા ન થાય તે માટે સ્પાઇન બોર્ડની ખાસ વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. આ ઉપરાંત જમ્બો સાઈઝના ડબલ ઓક્સિજન જે જરૂર પડે તો બંને એકસાથે કામ કરી શકે છે ઉપરાંત, 108 જેવી ઓટોલોડીંગ કોલેપ્સીબલ સ્ટ્રેચર, સંપૂર્ણ એરકંડિશન્ડ, ડોકટરોને બેસવાની વ્યવસ્થા, દવાની કેબિન, વોશબેસીન  જેવી ઉચ્ચ ક્ષાની વ્યવસ્થા છે. આ લોકાર્પણ પ્રસંગે ચીફ મેડિકલ સુપ્રિ. ડો. એન. એન. ભાદરકા, મેડિકલ કોલેજના ડીન ડો. ગુરદાસ ખીલનાની, અધિક મેડીકલ સુપ્રિ. ડો.નરેન્દ્ર હીરાણી,  સિવિલ સર્જન ડો. કશ્યપ બુચ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer