ભિટારામાં હાઇસ્કૂલ માટે મકાન તો બન્યું, પણ પોલીસ સ્ટાફ કવાર્ટર માટે ફાળવી દેવાયું !

ભિટારામાં હાઇસ્કૂલ માટે મકાન તો બન્યું, પણ પોલીસ સ્ટાફ કવાર્ટર માટે ફાળવી દેવાયું !
હાજીપીર, તા. 2 : કચ્છના સરહદી વિસ્તારમાં હાજીપીર, લુણા નાના-મોટા, બુરકલ, ભિટારા નાના-મોટા વગેરે ગામો આવેલા છે, પણ આ વિસ્તારમાં માધ્યમિક શિક્ષણ માટે કોઇ હાઇસ્કૂલ નથી. સરકાર દ્વારા બન્નીના છેવાડા ગામે ભિટારા 2009માં હાઇસ્કૂલની સુવિધા મળી પણ આવવા-જવાની સુવિધા ન હોવાના કારણે અને અપૂરતી સંખ્યાના કારણે 2014માં શાળા બંધ થઇ ગઇ છે. ભિટારા ખાતે હાઇસ્કૂલના શિક્ષકની બદલી થતાં જે આ હાઇસ્કૂલનો ચાર્જ દેશલપર-ગુંતલીની શાળાના આચાર્યને સોંપવામાં આવ્યો હતો. ત્યાર પછી ભિટારા ખાતે કોઇ શિક્ષક ન હોતાં વિદ્યાર્થીઓનું ભાવિ અદ્ધરતાલ બની જતાં શિક્ષણ સાથે ચેડાં કરવા જેવો તાલ ઊભો થયો હતો. ભિટારા ખાતે હાઇસ્કૂલ માટે નવું મકાન બનાવવામાં આવ્યું. અંદાજે 60થી 65 લાખ રૂપિયાના ખર્ચે બિલ્ડિંગ બનાવવામાં આવી હતી. જેમાં શિક્ષકોને રહેવા માટે અલગથી કવાર્ટર બનાવવામાં આવ્યા જે 5થી 7 લાખના ખર્ચે, પણ આ હાઇસ્કૂલની બિલ્ડિંગમાં આજ દિવસ સુધી કોઇ વિદ્યાર્થી ભણવા ગયા નથી. શિક્ષક કવાર્ટરમાં રહેવા પણ નથી આવ્યા. અત્યારે આ બિલ્ડિંગમાં નથી બારણા, નથી બારી, નથી લાઇટના વાયર, બધું લેભાગુ તત્ત્વો કાઢી ગયા છે. અત્યારે આ લાખોની બિલ્ડિંગ ભૂતિયા ખંડેર જેવી બની ગઇ છે. આ બિલ્ડિંગ અંગે આર.એન.બી. કચેરીમાં પૂછવામાં આવતાં એમણે એવો જવાબ આપ્યો કે, શાળા તો શિક્ષણાધિકારીને સુપરત કરી દેવામાં આવી છે. ત્યારે ડી.ઓ. ઓફિસ ભુજના વસંતભાઇને પૂછતાં તેમણે આ બિલ્ડિંગને ડી.એસ.પી. ઓફિસ-ભુજને પોલીસના સ્ટાફને રહેવા માટે કલેક્ટરની સૂચનાથી પોલીસ ખાતે સુપરત કરવામાં આવી છે. હાલે બન્ની વિસ્તારમાં નવી હાઇસ્કૂલ મંજૂર કરવામાં આવી છે જેની હાલત ભિટારા જેવી ન બને તે જોવા ડી.ઓ. ઓફિસને જોવાનું છે તેવું નાગરિકોએ જણાવ્યું હતું. હાલે બન્ની વિસ્તારમાં માધ્યમિક શિક્ષણ મળે તે માટે ધોરડો, ગોરેવાલી, હોડકા ગામોમાં આ સુવિધા છે, પણ વાલીઓ શિક્ષણ ઉપર જોર કરે તો જ વિદ્યાર્થીઓ હાઇસ્કૂલમાં ભણી શકે. જો હાજીપીર ખાતે હાઇસ્કૂલ ચાલુ કરવામાં આવે તો વિદ્યાર્થીઓનું ભાવિ ઉજળું બની શકે તેવી માંગ ઊઠી છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer